તાલાલામાં ઈકો ઝોન કાયદા વિરુદ્ધ બે જિલ્લાના સરપંચોથી સાંસદ સુધીના પદાધીકારીઓનુ સંમેલન યોજાયુ

લોકશાહી લોકો માટે છે..સિંહો માટે નથી:ખેડુતો પણ હિન્દુ છે 70 ટકા મતો ભાજપને આપ્યાં છે ઈકો ઝોન આવતો અટકાવવા ખેડુતોની પ્રબળ માંગ: તાલાલા વિસ્તાર 2016 માં કોંગ્રેસનો ગઢ હતો ત્યારે પણ ઈકો ઝોન માટે ખેડુતો સાથે રહ્યો હતો આજે પણ પહેલા ખેડૂતો પછી પદ: સોરઠના સાંસદ: તાલાલા,માળિયા,મેંદરડા,વિસાવદર અને ગીર ગઢડા તાલુકામાંથી મોટી સંખ્યામાં ચુંટાયેલ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતાં

તાલાલા પંથક સહિત ત્રણ જીલ્લાના 196 ગામોની પ્રજા અને ખેડૂતો માટે આફતરૂપ સરકાર દ્વારા ઈકો સેન્સિટીવ ઝોન લગાવવામાં આવી રહ્યો છે.આ કાળો કાયદો રદ કરવા શરૂ થયેલ લોક લડત વધું મજબૂત કરવા અને લોકોનો અવાજ સરકાર સુધી પહોંચાડવા તાલાલા તાલુકા ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના સરપંચ થી સાંસદ સુધી ચુંટાયેલ પ્રજાનાં પ્રતિનિધિઓનું સંમેલન તાલાલા માર્કેટીંગ યાર્ડમાં યોજાયું હતું.આ સંમેલનમાં સોરઠના સાંસદ રાજેશભાઈ ચુડાસમા,જીલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પિઠીયા,પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા ઉપસ્થિત રહ્યા હતા.
લોકશાહી લોકો માટે છે..માત્ર સિંહો માટે નથી..ગ્રામીણ પ્રજા અને ખેડૂતો બધાં હિન્દુઓ છે.70 ટકા મતો ભાજપને આપ્યાં છે.કિસાનોના કાંડા કાપી લેતો ઈકો સેન્સિટીવ ઝોન નો કાળો કાયદો આવતો અટકાવવા ભાજપના ચુંટાયેલ પ્રતિનિધિઓ સમક્ષ સંમેલનમાં પ્રબળ માંગણી કરવામાં આવી હતી.
પ્રજા અને ખેડૂતોની માંગણીનો પ્રત્યુતર આપતા સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ જણાવ્યું હતું કે 2016 માં આ વિસ્તાર કોંગ્રેસ બહુમતી વાળો હતો ત્યારે પણ હું ખેડુતોની સાથે રહી ઈકો ઝોન સામે સરકારમાં રજુઆતો કરી હતી.આજે પણ પહેલા ખેડૂત અને પછી પદ..રાજેશભાઈ એ કહ્યું હતું કે 2016 માં સરકારે ઈકો ઝોન ની જે દરખાસ્ત મોકલી હતી તે રદ થયા પછી 2024 માં ફરી જાહેરનામું બહાર પડ્યું હતું.આ જાહેરનામા માં અગાઉ કરતાં વધું કડક જોગવાઈ કરવામાં આવી છે.જાહેરનામું હિન્દીમાં લોકોને સમજાય શકે તેમ નથી..આ અંગે સરકારમાં રજૂઆતો કરી છે જરૂર પડે સરકારના પ્રતિનિધિઓ અને અધિકારીઓ આ વિસ્તારમાં આવી જાહેરનામાં અંગે લોકોમાં સ્પષ્ટતા કરશે અને લોકોની વેદના પણ સાંભળશે તેવી હકારાત્મક પ્રતિભાવ સરકારે આપ્યો છે.ઈકો સેન્સિટીવ ઝોન માટે આ વિસ્તારનું પ્રતિનિધિ મંડળ બનાવી ઈકો ઝોન સામે સરકારમાં રજૂઆત કરવા ગાંધીનગર જશે તો આ પ્રતિનિધિ મંડળમાં હું પણ સામેલ થઈ ખેડુતો માટે રજુઆત કરીશ.જાહેરનામાં સામે 60 દિવસમાં વાંધા રજૂ કરવા સમય આપ્યો છે.ઈમેઈલ દ્રારા હું મારો વાંધો રજૂ કરીશ.બધાએ સમય મર્યાદામાં જાહેરનામાં સામે વાંધા રજૂ કરવા ઉપર સાંસદે ભાર મૂક્યો હતો.
તાલાલા નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ અમિતભાઈ ઉનડકટે જાહેરનામું સંપૂર્ણ રદ કરી સ્થાનિક પ્રજા તથા ખેડૂતો સાથે પરામર્શ કર્યા બાદ જાહેરનામું પ્રસિદ્ધ કરવા માંગણી કરી હતી.માજી ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા એ જણાવ્યું હતું કે ગીર અમારૂં ગૌરવ છે,સિંહ અમારી શાન છે.પ્રજા અને ખેડૂતો સિંહો નું વધું રખોપું કરે છે છતાં પણ સિંહોના નામે ઈકો ઝોન નો કાયદો લાવવો ખેડૂતો માટે હળાહળ અન્યાયકારક છે.હર્ષદભાઈ એ કાળો કાયદો આવતા ખેડૂતોને કેટલી હાલાકી પડશે તેનો ચિતાર વ્યક્ત કર્યો હતો.ગીર સોમનાથ જીલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પિઠીયા એ ઈકો ઝોન અંગે સરકારમાં કરેલ રજુઆત થી ખેડુતોને અવગત કરી ખેડુતોની સાથે રહેવા જીલ્લા ભાજપ પ્રમુખે ખાત્રી આપી હતી.
આ સંમેલનને ગીર સોમનાથ કિસાન સંઘ પ્રમુખ ભરતભાઈ સોજીત્રા,તાલુકા પ્રમુખ પ્રવિણભાઈ છોડવડીયા,ઉકાભાઈ વાઘેલા(ગીર ગઢડા)વિગેરે વક્તાઓએ સંબોધન કર્યું હતું.સંમેલનના પ્રારંભે તાલાલા માર્કેટીંગ યાર્ડ નાં પ્રમુખ સંજયભાઈ શિંગાળા એ સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંજયભાઈ અકબરી એ કર્યું હતું.આ સંમેલનમાં તાલાલા,માળીયા,મેંદરડા,વિસાવદર અને ગીર ગઢડા માંથી ચુંટાયેલ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
તાલાલા પંથકમાં ઈમેઈલ ડે ઉજવાશે
તાલાલા પંથકમાં ઈકો ઝોન લગાવવા પ્રસિદ્ધ થયેલ જાહેરનામાં સામે ઈમેઈલ દ્રારા વાંધા રજૂ કરવા સમય મર્યાદામાં ઠેરઠેરથી ઈમેલ થઈ રહ્યાં છે.આગામી દિવસોમાં નોંધપાત્ર વધારો થાય માટે ઈમેઈલ ડે ઉજવાશે.આ માટે ભારતીય કિસાન સંઘના કાર્યકરો ગામડે ગામડે જશે.હજારોની સંખ્યામાં ઈકો ઝોન રદ કરવાની માંગણી સાથે ઇમેઇલ કરાવશે.આ માટે આયોજન ગોઠવાયું છે તેમ તાલાલા તાલુકા ભારતીય કિસાન સંઘના પ્રમુખ પ્રવીણભાઈ છોડવડીયા એ જણાવ્યું હતું.
સુપ્રિમ કોર્ટે પ્રજા અને ખેડૂતો માટે કડક સુચના આપી નથી
2016 માં ઇકો ઝોન ની દરખાસ્ત સરકારમાં મોકલી હતી ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં અનેક જાહેર હિતની અપીલો થઈ હતી.આ દરમિયાન 2023 માં સુપ્રીમ કોર્ટે સૂચિત ઇકો ઝોન નાં 0 થી 1 કિ.મી વિસ્તાર માં ખનન ઉપર સંપૂર્ણ પ્રતિબંધિત વાત કરી છે..0 થી 1 કિ.મી.માં પ્રજા અને ખેડૂતોની જાહેર સુખાકારીને અડચણ આવે તેવી કોઈ વાત કરી નથી છતાં પણ વનવિભાગ કાયદાનું મનઘડીત ઉપયોગ કરે છે.ચૂંટાયેલ પ્રજાના પ્રતિનિધિઓએ તે ધ્યાને લેવા વિવિધ ગામના ખેડૂત અગ્રણીઓએ માંગણી કરી હતી.

રિલેટેડ ન્યૂઝ