કોથળામાંથી મગફળી કાઢવાની સીસીટીવી ફૂટેજ બહાર આવી
બગસરા તાલુકામાં ટેકાના ભાવે મગફળી ખરીદીનું કેન્દ્ર જેતપુર રોડ પર શરૂ કરેલ છે જેમાં ખેડૂતોને મગફળી માટે દરેક ખેડૂત પાસેથી ભરાઈને નામે 5000 રૂપિયા જેવી રકમનો તોડ કરવામાં આવતો હોવાના આક્ષેપો તથા કોથળામાંથી મગફળી બહાર કાઢવામાં આવતો હોવાનો સીસીટીવી ફૂટેજ કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલ દ્વારા સોશિયલ મીડિયામાં મુકેલ છે તેમજ કરોડોના ભ્રષ્ટાચારનો સીધો આક્ષેપ ગુજકોમાસોલ સહિત બગસરાના ખરીદી કેન્દ્ર પર કરેલ છે. બગસરામાં ખેડૂત વિવિધ કાર્યકારી સેવા સહકારી મંડળીને ટેકાના ભાવે મગફળી ખરીદી કરવા માટેનું કેન્દ્ર ગુજકોમાસોલ દ્વારા આપવામાં આવેલ છે. આ ખરીદી કેન્દ્ર પર રોજના 100 થી પણ વધુ ખેડૂતો પોતાની મગફળી લઈને ટેકાના ભાવે વેચાણ માટે આવે છે પરંતુ આ ખેડૂતોને પોતાની માંડવીમાં થોડી ઘણી મુશ્કેલી હોય તો ભરાઈ ના નામે ભ્રષ્ટાચાર પેટે રૂપિયા 3000 થી લઈ 5000 પડાવી લેવામાં આવે છે. જેને લીધે દોઢ માસથી પણ વધુ સમયથી શરૂ થયેલા આ કેન્દ્રમાં રોજના લાખો ના હિસાબે અત્યાર સુધીમાં કરોડોનો ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ ભાવનગર જિલ્લાના કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી કરવામાં આવેલ છે. ટેકાના ભાવે મગફળીની ગુણીમાં ભરતી 35.800 કિગ્રા મુજબ ભાવ ચૂકવે અને ખેડૂતો પાસેથી 36 કિગ્રાની ભરતી કરાવવામાં આવે છે. જેમાં 200 ગ્રામ મગફળી પછીથી કાઢી લઈ તેનું અલગથી વેચાણ કરવામાં આવે છે. ચોરીના માલ સ્વરૂપે ચોખ્ખો નફો કરતી બગસરાની ખેડૂત વિવિધ કાર્યકારી સેવા સહકારી મંડળી લી ના કાર્યમાં ગુજકોમાસોલના અધિકારીઓ ની પણ મોટા પાયે સંંડોવણી હોવાનું પણ તેમના દ્વારા જણાવવામાં આવેલ છે. જેના પુરાવા રૂપે મગફળીની ગુણી માંથી મગફળી કાઢવામાં આવતી હોવાનો સીસીટીવી ફૂટેજ પણ મૂકવામાં આવેલ છે. સીસીટીવી ફૂટેજમાં રાત્રિના સમયમાં 200 ગ્રામ વધારાની મગફળી કાઢીને અલગથી કોથળામાં ભરવામાં આવે છે. ખેડૂતો સાથે લૂંટ કરી ભ્રષ્ટાચાર ફેલાવતા આવા કેન્દ્રોને તાત્કાલિક બંધ કરવા જોઈએ તેમજ તટસ્થ તપાસ કરી ખેડૂતોને લૂંટતા લોકો જેલ હવાલે થાય તેવી માંગ કરેલ છે.
વેપારીઓ પણ મગફળી વેચી રહ્યા છે
આ કેન્દ્રમાં લોલમલોલ ચાલતું હોવાથી અનેક વેપારીઓ પણ પોતે સસ્તામાં ખરીદેલી મગફળી ભ્રષ્ટાચારની રકમ આપી કોઈ પણ ખેડૂત ના નામે ઓનલાઈન કરી વેચવા માટે બોલેરો ભરીને આવી જાય છે. જેથી વેપારીઓ પણ પોતાની મગફળી ટેકાના ભાવે વેચી રહ્યા છે.
ચૂંટાયેલા નેતાઓ મૌન બની ગયા
આ ભ્રષ્ટાચાર બાબતે અનેક ખેડૂતોએ બહાર આવીને ભાજપના ચૂંટાયેલા નેતાને વાત કરતા હતા પરંતુ ઉપર સુધી કોઈ કહી શકે તેમ ન હોય આખરે ખેડૂતોને વિરોધ પક્ષનો સહારો મેળવવો પડ્યો હતો.
ખેડૂતોને બે તરફી માર
એક તો મગફળી રિજેક્ટ કરવાની ધમકી આપી રૂપિયા પડાવવામાં આવતા હતા તેમજ સાથે સાથે એક ગુણીમાં 200 ગ્રામ વધુ મગફળી પણ લઈ લેવામાં આવતી હતી આમ ખેડૂતોને બંને બાજુ માર પડતો હતો.
