આંકોલવાડી વિસ્તારના 15 ગામની મુસાફર જનતાની પરિવહન સેવામાં વધારો થતાં સર્વત્ર આનંદ
તાલાલા પંથકના આંકોલવાડી વિસ્તારના 15 ગામની માંગણી મુજબ એસ.ટી.વિભાગે અમદાવાદ જવાની નવી એક્સપ્રેસ બસ શરૂ કરતાં ગ્રામીણ મુસાફર જનતામાં સર્વત્ર આનંદ છવાયો છે. આ અંગે પ્રાપ્ત થયેલ વિગત પ્રમાણે આંકોલવાડી-અમદાવાદ-કૃષ્ણનગર એક્ષપ્રેસ બસ શરૂ કરવા ગ્રામીણ મુસાફર જનતાની માંગણી મુજબ એસ.ટી.સતાવાળાએ બસ શરૂ કરી છે.આ એસ.ટી.બસ આંકોલવાડી ગીર થી તાલાલા, સાસણગીર, જુનાગઢ, રાજકોટ, ચોટીલા,લીંબડી થઈ અમદાવાદ પહોંચશે.આ બસ આંકોલવાડી થી વહેલી સવારે 5:30 કલાકે ઉપડી બપોરે 4:30 કલાકે કૃષ્ણનગર પહોંચશે.બીજા દિવસે વહેલી સવારે 6:30 કલાકે કૃષ્ણનગર એસ.ટી.ડેપોથી ઉપડી આ બસ સાંજે 6:00 વાગ્યે આંકોલવાડી ગીર પહોંચી રાત્રી રોકાણ કરશે.તાલાલા પંથકના આંકોલવાડી ગીર વિસ્તારના છેવાડાના 15 ગામડાની ગ્રામીણ મુસાફર જનતાની પરિવહન સુવિધામાં વધારો એસ.ટી.વિભાગના સત્તાવાળાઓએ કરતા પ્રજામાં સર્વત્ર આનંદ છવાયો છે.
