સાસણમાં સીએમ કોમન મેન બની સ્થાનીકોને મળ્યા બજારમાં સ્થાનિક લોકોની વચ્ચે જઈને ચા પીધી

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની સરળતા , મૃદુતા અને નિખાલસતા પ્રવાસીઓ અને વેપારીઓને સ્પર્શી ગઈ: સ્વદેશી અને સ્થાનિક પ્રોડક્ટ વેચતા તથા હસ્તકલાના સ્થાનિક વેપારીઓને કર્યા પ્રોત્સાહિત : પ્રવાસીઓમાં સતત થતો વધારો જાણી મુખ્યમંત્રીનો રાજીપો

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરળતા, નિખાલસતા, અને સંવેદના સભર સ્વભાવ સાસણના લોકો, સ્થાનિક વેપારીઓ અને પ્રવાસીને હૃદયમાં સ્પર્શી ગયા હતા. મુખ્યમંત્રી જૂનાગઢમાં વિકાસ કાર્યોના લોકાર્પણ બાદ ગઈ કાલે સાસણ ગીરમાં પહોંચ્યા હતા. રાત્રે સિંહ સદનમાંથી મુખ્યમંત્રી એ બહાર નીકળી, એક કોમન મેનની જેમ બજારમાં લોકોને મળ્યા હતા. એટલું જ નહીં તેઓ ગીરની પ્રખ્યાત કેરી પ્રોડક્ટ સહિતની સ્થાનિક સ્વદેશી પ્રોડક્ટ, સિંહની પ્રતિકૃતિ વાળી હસ્તકલાની ચીજ વસ્તુઓ વેચતા વેપારીના સ્ટોલ પર પહોંચ્યા અને સ્વદેશી ચીજ વસ્તુઓ અને હસ્તકલાની ચીજ વસ્તુઓ વેચતા વેપારીઓને પ્રોત્સાહન આપ્યું. ત્યાંથી આગળ વધીને મુખ્યમંત્રી માર્ગમાં લોકોને મળ્યા, લોકોના ખબર અંતર પૂછી તેમની સાથે વાતચીત પણ કરી હતી.
આ સાથે પ્રવાસીઓ અને સ્થાનિક વેપારીઓને મળીને લોક લાગણીને સ્વીકારી મુખ્યમંત્રીએ તેમની સાથે બેસીને ચા પણ પીધી હતી. વડાપ્રધાનની સાસણની મુલાકાત બાદ સાસણમાં સતત પ્રવાસીઓનો વધારો થઈ રહ્યો છે અને સાસણ આજે વિશ્વના પ્રવાસન નકશા પર અંકિત થઈ રહ્યુ છે અને તેની સાથે સિંહ સંવર્ધનમાં સૌની સહભાગીતા સહિતની ગૌરવભરી ગાથા જાણીને મુખ્યમંત્રી એ રાજીપો વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રી એ વિદ્યાર્થીઓ-બહેનો સાથે પણ સંવાદ કરીને તેમને શુભકામના પાઠવી હતી.

રિલેટેડ ન્યૂઝ