તળાજા તાલુકાના નવી કામળોલ ગામે રવિવારે મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી


મહાશિવરાત્રી પર્વે કામનાથ દાદાની રસપ્રદ પ્રાગટય કથા જાણવા જેવી છે.પુરાતત્વ વિભાગના નિષ્ણાતોના મત પ્રમાણે આ શિવલિંગ અંદાજે 400 વર્ષ પુરાણું પ્રાચીન શિવલિંગ છે

તળાજા તાલુકાના નવી કામળોલ ગામે અતિ પ્રાચીન કામનાથ મહાદેવ મંદિરમાં તા.15 ફેબ્રુઆરી રવિવારે મહા શિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ દિવસે અભિષેક પૂજા, દીપમાળા,રુદ્રી, રુદ્રાષ્ટક,ચાર પ્રહરની પૂજા સહિત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.ભાવનગર જિલ્લામાં તળાજા થી પાંચેક કિલોમીટર છેટે,તળાજા – બગદાણા રોડ પર નવી કામલોલ ગામે એક એકર જમીનમાં,નદીને કાંઠે બીલી અને લીમડા સહિતના વૃક્ષોની સઘન વનરાજી વચ્ચે કામનાથ દાદા બિરાજમાન છે.સનાતન અને શિવ ભક્તોમાં કામનાથ દાદાનો ભારે મહિમા છે.મહાશિવરાત્રી પર્વે કામનાથ દાદાની રસપ્રદ પ્રાગટય કથા જાણવા જેવી છે.પુરાતત્વ વિભાગના નિષ્ણાતોના મત પ્રમાણે આ શિવલિંગ અંદાજે 400 વર્ષ પુરાણું પ્રાચીન શિવલિંગ છે.મંદિરને અડીને ક્યારેક કમળાઈ અને હવે તળાજીના નામે ઓળખાતી નદીના એક ઊંડા ધરામાં થી આ શિવલિંગ મળ્યું હતું.આજે એ ધરો મહાદેવીયા ધરા તરીકે ઓળખાય છે. લગભગ દોઢસો વર્ષ પહેલાં પ્રાચીન મંદિરના મૂળ ગર્ભ ગૃહને જાળવીને આ શિવાલયનો જીર્ણોદ્ધાર થયો હતો.આજે ગુજરાતના ગામે ગામ જેઓ બાપા સીતારામના વહાલા નામે ભાવિકોના આરાધ્ય બની ગયા છે એવા પરમ સમર્થ બજરંગદાસ બાપાને આ જગ્યા અને મહાદેવ દાદા પ્રત્યે ખૂબ ભાવ અને આસ્થા હતી.તેમણે ગામના ખેડૂત પાસેથી જમીન ખરીદીને કામનાથ મહાદેવ દાદાને સમર્પિત કરી હતી.તળાજા થી બગદાણા જતા ભક્તો આ સ્થળે વિસામો કરે,અને સંતો,ભક્તો,અભ્યાગતોની અહીં સેવા થાય એવો એમનો ભાવ હતો.આજે પણ વારસાઈ ટ્રસ્ટના સંચાલકો દ્વારા બાપાની પ્રેરણા થી શરૂ થયેલી આ સેવા પરંપરા જાળવી રાખવામાં આવી છે.નદીમાંથી શિવલિંગની સાથે પોઠિયાની ખંડિત પ્રતિમા,ભૈરવજી સહિત વિવિધ પ્રતિમાઓ, અને પથ્થરની સિંહ પ્રતિમા મળી હતી. જે સંકેત આપે છે કે સદીઓ પહેલા અહીં શિવજી અને માતા શક્તિનું ભવ્ય દેવાલય હોવું જોઈએ.અહીં થી પુરાતત્વ ખાતાએ કેટલાક અવશેષો લીધા હતા.બાકીના આજે પણ યાદગીરી રૂપે જાળવી રાખવામાં આવ્યા છે.બીલીના 15 થી વધુ વૃક્ષોની વનરાજી બિલ્વ વન વચ્ચે શિવાલયની આસ્થા વધારે છે. આ જગ્યા મહા શિવરાત્રીની કથાની યાદ અપાવે છે અને સાક્ષાત શિવધામની અનુભૂતિ આ પાવન જગ્યાએ થાય છે.હાલમાં પરિવાર પરંપરા અનુસરીને મહંત હરદેવગિરી દોલતગીરી આ જગ્યાએ સેવા પૂજા ,દેખરેખ અને સંચાલન કરે છે.આખું વર્ષ વિવિધ શિવ પર્વો અને ઉત્સવોની ધૂમધામ થી ઉજવણી આ જગ્યાને જીવંત અને ઉર્જાવાન રાખે છે.

રિલેટેડ ન્યૂઝ