રાજકોટ સહિત સૌરાષ્ટ્રના પાંચ શહેરોમાં ઠંડા પવન સાથે ન્યુનતમ તાપમાન 15 ડિગ્રી રહ્યું

દાહોદ- ગોધરામાં કમોસમી વરસાદ: અંબાજી-લિમખેડામાં ચોમાસુ માહોલ
સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે સવારે પણ ભેજવાળા વાતાવરણ બાદ 10થી 12 કી.મી.ની ઝડપે ઠંડો પવન ફુંકાયો હતો અને સૂર્ય પ્રકાશિત હવામાન રહેવા પામ્યું હતું તો, ગુજરાતમાં હવામાન પલ્ટા સાથે ગોધરા- દાહોદમાં કમોસમી વરસાદ વરસ્યો હતો તથા અંબાજી અને લિમખેડા પંથકમાં વાદળો સાથે ચોમાસુ માહોલ છવાયો હતો. જયારે ગઈકાલે પણ રાજકોટ સહિત મોટાભાગનાં શહેરોમાં બપોરનું તાપમાન પણ 2થી 3 ડીગ્રી ઘટી જતા ગરમીનો અહેસાસ થયો ન હતો.
ગઈકાલે રાજકોટમાં 32.5, અમદાવાદમાં 32.2 અને ભુજમાં 32.4 ડીગ્રી મહતમ તાપમાન નોંધાયુ હતું. જયારે 7 શહેરોમાં 30થી 31 ડીગ્રી વચ્ચે મહતમ તાપમાન નોંધાયું હતું.
આ ઉપરાંત આજે સવારે રાજકોટ સહિત પાંચ શહેરોમાં ઠંડા પવન સાથે 15 ડીગ્રી આસપાસ લઘુતમ તાપમાન નોંધાયુ હતું. રાજકોટમાં સવારે 15.2, પોરબંદરમાં 15, અમરેલીમાં 15, દિવમાં 15.8 તથા નલિયામાં 15.5 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાવા પામ્યું હતું.
જયારે જામનગર શહેરમાં લઘુતમ તાપમાનમાં આંશિક વધારા સાથે પારો 17 ડીગ્રી રહ્યો હતો તો મહતમ તાપમાન સતત બીજા દિવસે પણ 29 ડીગ્રી નોંધાયુ હતું. જયારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 73 ટકા અને પવનની ગતિ પ્રતિકલાક 4.7 કિ.મી. નોંધાઈ હતી. તાપમાનમાં વધારા ઘટાડા વચ્ચે મિશ્ર ઋતુ અનુભવાઈ રહી છે. રાતથી સવાર સુધી ઠંડક તો બપોરે ગરમી પડે છે.

રિલેટેડ ન્યૂઝ