11 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા મેંદરડાના રાજેસર ગામે દશનામ ગોસ્વામી સાધુ સમાજનો સમૂહ લગ્નોત્સવ યોજાયો


ગૌસેવા અને સામાજિક એકતાનો અનોખો સંગમ: વરઘોડામાં ગૌશાળા માટે ₹51,250 જેવી માતબર રકમ એકત્ર થઈ

મેંદરડા તાલુકાના રાજેસર ગામે માનવતા, સેવા અને સંસ્કારના ત્રિવેણી સંગમ સમાન દશનામ ગોસ્વામી સાધુ સમાજ દ્વારા 11માં ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. “સ્નેહના તાંતણે” શીર્ષક હેઠળ યોજાયેલા આ મંગલ પ્રસંગે 11 નવદંપતી ઓએ સંતો-મહંતોના આશીર્વાદ સાથે નૂતન ગૃહસ્થ જીવનનો પ્રારંભ કર્યો હતો.ભક્તિમય માહોલમાં દીપ પ્રાગટ્ય અને સન્માન કાર્યક્રમની શરૂઆત મંચસ્થ બિરાજમાન પૂજ્ય સંતો-મહંતો, રાજકીય અને સામાજિક અગ્રણીઓ તેમજ જ્ઞાતિરત્નો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત તમામ મહાનુભાવો અને દાતાશ્રીઓનું રુદ્રાક્ષની માળા, ગમછો અને પુષ્પગુચ્છ આપીને ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. શરણાઈના સૂર અને મંગળ ગીતોના ગુંજારવ વચ્ચે સમગ્ર રાજેસર ગામ ભક્તિમય બની ગયું હતું.
વૈદિક પરંપરા અને વ્યસન મુક્તિનો સંદેશ સાથે શાસ્ત્રોક્ત વિધિ મુજબ, વૈદિક મંત્રોચ્ચાર અને મંગલાષ્ટક સાથે 11 વર-ક્ધયાઓએ સાત ફેરા ફરી લગ્નગ્રંથિના પવિત્ર બંધનમાં જોડાયા હતા. લગ્ન વિધિ દરમિયાન મંચ પરથી વક્તાઓએ નવદંપતીઓને સુખી જીવનના આશીર્વાદ પાઠવ્યા હતા. વિશેષ રૂપે, સમાજમાં જાગૃતિ લાવવા માટે વ્યસન મુક્તિ પર ભાર મૂકવામાં આવ્યો હતો અને ઉપસ્થિત જનમેદનીને તમામ પ્રકારના વ્યસનોનો ત્યાગ કરવા અપીલ કરવામાં આવી હતી.
દશનામ ગોસ્વામી સાધુ સમાજ દ્વારા દીકરી પ્રત્યેનો સ્નેહ પ્રગટ કરતા, દરેક નવવધૂને ઘરવખરીની 100થી પણ વધુ ચીજવસ્તુઓ ભેટ આપવામાં આવી હતી. જેમાં: સોના-ચાંદીના કિંમતી આભૂષણો ફ્રીજ, કબાટ અને અન્ય જીવનજરૂરી સાધનો સહિત આમ, મોંઘેરા કરિયાવર સાથે દીકરીઓને સાસરે વળાવવામાં આવી હતી.
વરઘોડામાં ગૌસેવાની સરવાણી ₹51,250નું દાન આ સમૂહ લગ્નની વિશેષતા એ રહી કે, વરઘોડા દરમિયાન રાજેસર ગૌશાળા બેન્ડ પાલ્ટી દ્વારા ગૌસેવાના લાભાર્થે બેન્ડ પાર્ટી ના માધ્યમથી લગ્નના વરઘોડા માં મહેમાનો એ ઉદાર હાથે દાનની સરવાણી વહાવી હતી, પરિણામે ₹51,250 જેટલી માતબર રકમ એકત્ર થઈ હતી. આ રકમ ગૌશાળાના લાભાર્થે અર્પણ કરવામાં આવતા ગૌશાળા કમિટીએ સમાજ અને દાતાશ્રીઓનો આભાર માન્યો હતો.
ટીમવર્કથી કાર્યક્રમ બન્યો યાદગાર આ ભગીરથ કાર્યને સફળ બનાવવા માટે જીગ્નેશ ગીરી (કાર્યક્રમ અધ્યક્ષ),
મહેશ બાપુ અપારનાથી (પ્રમુખ) તથા મેંદરડા તાલુકા દશનામ ગોસ્વામી સાધુ સમાજની કમિટી અને સ્વયંવ સેવકો એ રાત-દિવસ એક કર્યા હતા. મહેમાનોના સ્વાગતથી લઈ, ભોજન વ્યવસ્થા અને લગ્ન વિધિ સુધીની તમામ જવાબદારીઓ ખૂબ જ ખંતપૂર્વક નિભાવી હતી ત્યારે રાજેસર ના આંગણે યોજાયેલ આ દિવ્ય મહોત્સવે સમાજમાં એકતા, સાદગી અને સેવાના મૂલ્યોને વધુ મજબૂત બનાવ્યા છે.અને લગ્નોત્સવ સફળ બનાવ્યો હતો

રિલેટેડ ન્યૂઝ