સોશિયલ મીડિયામાં બહુચર્ચિત અને લાખો ફોલોઅર્સ ધરાવતી સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ આજે બપોર બાદ ભવનાથ પોલીસ સ્ટેશનમાં તેમની વિરુદ્ધ નોંધાયેલા બે ગુન્હામાં વકીલને સાથે રાખી પોલીસ સમક્ષ હાજર થઈ હતી. બાદમાં પોલીસે આરોપી કીર્તિ પટેલની અટકાયત કરી, ધોરણસરની કાર્યવાહી હાથ ધરી, કોર્ટમાંથી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી હતી.
જૂનાગઢના મહાશિવરાત્રી મેળાના અંતીમ દિવસે શિવરાત્રીની રાત્રિના સમયે સોશિયલ મીડિયાની લોકપ્રિય એવી કીર્તિ પટેલે ભગવા વસ્ત્રો ધારણ કરી, સાધુઓ સાથે મૃગી કુંડમાં સ્નાન કરતા ભારે વિવાદ વકર્યો હતો, અને આ બાબતે જુનાગઢ રેન્જ પોલીસ સ્ટેશનના મહિલા પીઆઇ દ્વારા કીર્તિ પટેલ સામે ફરજમાં રૂકાવટ, પોલીસ સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન અને મારી નાખવાની ધમકી સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તે બાદ 24 કલાકમાં અન્ય એક ફરિયાદ કીર્તિ પટેલ સામે નોંધાઈ હતી, જેમાં પ્રભાસ પાટણના નિરાલી ખોડીયાર ગામના મહંત મહામંડલેશ્વર બજરંદાસ બાપુ દ્વારા કીર્તિ પટેલે સાધુ સંતો સાથે મૃગી કુંડમાં સ્નાન કરતા લાગણી દુબઈ હોવાની ફરિયાદ ભવનાથ પોલીસ સ્ટેશનમાં દાખલ થવા પામી હતી. ત્યારબાદ ગત 21 તારીખે જુનાગઢના એક વિડીયો ક્રિયેટર દ્વારા કીર્તિ પટેલ સહિતના પાંચ લોકોએ રૂ. 20 લાખ માંગી, ધાક ધમકી આપી હોવાની જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થવા પામી હતી.
આ ગુન્હાઓના કામે જૂનાગઢ પોલીસ કીર્તિ પટેલને ઉદેપુર માંથી પકડી લાવી હતી. અને રૂ. 20 લાખ માંગવાના કેસમાં જુનાગઢ તાલુકા પોલીસે કિર્તિ પટેલના કોર્ટમાંથી રિમાન્ડ મેળવ્યા બાદ, રિમાન્ડ પુરા થતા, જુનાગઢ કોર્ટે આજે મંગળવારે ભવનાથ પોલીસ સ્ટેશનના બે ગુના સબબ પોલીસ સ્ટેશનમાં હાજર થવા ફરમાન કરી, રૂ. 20 લાખ માંગવાના કેસમાંથી કીર્તિ પટેલને જામીન મુક્ત કરી હતી.
દરમિયાન આજે કીર્તિ પટેલ પોતાના વકીલ સાથે બપોર બાદ ભવનાથ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ હતી. તે બાદ પોલીસે કીર્તિ પટેલની અટકાયત કરી હતી. અને પ્રાથમિક તપાસ પૂછપરછ કરી, રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવા તજવીજ હાથ ધરી છે.
