વિરપુરમાં બાળકોને ઉપાડી ગયાની ખોટી અફવા ફેલાવનાર બે ઇસમોની ધરપકડ

બાળકોને ઉઠાવતી ટોળકી સક્રિય હોવાની પોસ્ટ સોશિયલ મીડીયામાં મૂકી લોકોને ડરાવતા કાર્યવાહી

વીરપુરમાં સોશિયલ મીડિયા પર બાળકો ઉઠાવતી ટોળકી સક્રિય હોવાની અને 3 થી 4 બાળકોને ઉપાડી ગયાની ખોટી અફવા ફેલાવનાર બે ઈસમોની વિરપુર પોલીસે ધરપકડ કરીરાજકોટ ગ્રામ્ય જિલ્લાના વીરપુર (જલારામ) પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોશિયલ મીડિયાના માધ્યમથી ખોટી અને ભ્રામક અફવા ફેલાવવાનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. ગત તારીખ 23/02/2026 ના રોજ કેટલાક ઈસમો દ્વારા વીરપુર ગામમાં એવી અફવા વહેતી કરવામાં આવી હતી કે, ગામમાં બાળકો ઉઠાવી જવા વાળી ટોળકી આવી છે અને લગભગ 3 થી 4 જેટલા બાળકોને ઉઠાવી ગઈ છે. આ પ્રકારની ખોટી અફવાના કારણે સ્થાનિક લોકોમાં ભારે ભય અને ગભરાહટ ફેલાઈ ગયો હતો તેમજ જાહેર શાંતિ ભંગ થવાની પૂરેપૂરી શક્યતા ઉભી થઈ હતી.
આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ અને રાજકોટ ગ્રામ્યના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરના આદેશ અનુસાર પોલીસ હરકતમાં આવી હતી. જેતપુરના નાયબ પોલીસ અધિક્ષક આર.એ. ડોડીયાના માર્ગદર્શન હેઠળ વીરપુર પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જી. રાઠોડ તથા તેમની ટીમ જેમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ જીગ્નેશભાઈ ચૌહાણ, વિજયભાઈ ગોહેલ, કૌશિકભાઈ ચાચાપરા અને નિશાંતભાઈ પરમાર સહિતના પોલીસ સ્ટાફ દ્વારા સઘન તપાસ હાથ ધરતા આ અફવા તદ્દન ખોટી હોવાનું માલુમ પડ્યું હતું. ત્યારબાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી સમાજમાં ડરનો માહોલ ઉભો કરનાર બે આરોપીઓ રમેશભાઈ સવજીભાઈ વઘાસિયા (રહે. ગાયત્રી નગર, રેલ્વે સ્ટેશન રોડ, વીરપુર) અને ધ્રુવલભાઈ દિલીપભાઈ સાદરાણી (રહે. જલારામ મંદિર ની પાછળ, વીરપુર) ની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.વિરપુર પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જી. રાઠોડ દ્વારા આ તકે પ્રજાજોગ સંદેશ પણ આપવામાં આવ્યો છે. જેમાં લોકોને અપીલ કરવામાં આવી છે કે સોશિયલ મીડિયા દ્વારા સમાજમાં ભય, ગભરાટ અને જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય તેવા વિડિયો સોશિયલ મીડિયામાં અપલોડ અને શેર કરી વાયરલ કરતા પહેલા તેની પૂરેપૂરી ખાતરી કરી સત્ય હકીકત જાણી લેવા અપીલ કરાય છે.

રિલેટેડ ન્યૂઝ