સુરક્ષા એજન્સીઓએ દ્વારકાના દરિયામાંથી પકડેલ ચાર ઈરાની નાગરિકોનો કબ્જો એસ.ઓ.જી.ને સોંપવામાં આવ્યો
દ્વારકા થી 115 નોટિકલ દૂર કોસ્ટ ગાર્ડ દ્વારા ઈરાનની બોટને અંદાજે પાંચ કરોડ રૂપિયાની વિદેશી સિગરેટ સાથે પકડીને ચાર ઈરાની નાગરિકોને અટકાયત કરીને પોલીસને સોંપી દીધા બાદ બે દિવસની ગડમથલના અંતે માત્ર જાણવાજોગ દાખલ કરવામાં આવી છે. ભારતીય કોસ્ટ ગાર્ડ ની ટીમે દ્વારકાથી 115 નોટિકલ દૂર શંકાસ્પદ હાલતમાં ઈરાનની બોટને પકડી પાડી હતી અને એ સમયે એવું જાહેર કરવામાં આવ્યું હતું કે અંદાજે અઢીથી પાંચ કરોડ રૂપિયાની કિંમતની વિદેશી સિગરેટ સાથે ચાર ઈરાનીઓ મળી આવ્યા છે અને ઊંડાણથી પૂછપરછ હાથ ધરવામાં આવી છે પરંતુ ત્યારબાદ તેનો કબજો એસ.ઓ.જી.ને સોંપવા માટે પોરબંદરના ઓલવેધર પોર્ટની જેટી ખાતે લવાયા બાદ 48 કલાકની ગડમથલ પછી કોઈપણ પ્રકારનો ગુનો તેઓની સામે દાખલ કરવામાં આવ્યો નથી. એટલું જ નહીં પરંતુ તેમની પાસે ડોક્યુમેન્ટ પણ પુરા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે માત્ર જાણવાજોગ દાખલ કરવામાં આવી હોવાનું એસ.ઓ.જી. ઇન્સ્પેક્ટર માથુકિયા દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું.
