જૂનાગઢ જીલ્લામાં ગ્રામ પંચાયતનો સ્વતંત્ર રીતે વહીવટ ચલાવનાર મહિલાને રૂ. 51 હજારનો પુરસ્કાર: જૂનાગઢ જિલ્લા પંચાયતનું વર્ષ 2026-27નું રૂ. 3.14 કરોડનું બજેટ મંજૂર કરાયું
મહિલા સશક્તિ કરણના ભાગરૂપે જુનાગઢ જિલ્લા પંચાયત એ સમગ્ર રાજ્યમાં એક નવી અને પ્રેરણાદાયક પહેલ કરી છે. ગઈકાલે જિલ્લા પંચાયતની યોજાયેલી સામાન્ય સભામાં ગ્રામ પંચાયતમાં ચૂંટાયેલા મહિલા સરપંચ કે મહિલા પ્રતિનિધિ એકલી અન્યની દખલગીરી વિના સ્વતંત્ર રીતે ગામનો વહીવટ સંભાળતા હશે. તેમને જિલ્લા પંચાયત તરફથી રૂ. 51,000 નું પ્રોત્સાહક ઈનામ આપવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું છે. આ સાથે આ બેઠકમાં આગામી નાણાકીય વર્ષ 2026/27 નું કુલ રૂ. 3,14,14,000 ની અંદાજિત આવક સામે રૂ. 3,09,00,000 ના ખર્ચના લક્ષ્યાંક સાથેનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે, આ બજેટમાં શિક્ષણ, બાંધકામ અને સામાજિક કલ્યાણ જેવા પાયાના ક્ષેત્રો પર સવિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.જુનાગઢ જિલ્લા પંચાયતમાં મંજૂર થયેલ બજેટ પર નજર કરીએ તો, આગામી નાણાકીય વર્ષ રૂ. 1.14 કરોડની ખુલતી સિલક સાથે શરૂઆત થશે. આવકના મુખ્ય સ્રોતોમાં જમીન મહેસૂલ જેવા વૈધાનિક અનુદાન રૂ. 29.18 લાખ અને સ્થાનિક વેરા રૂ. 7.56 લાખનો સમાવેશ થાય છે. જેની સામે સામાન્ય મહેકમ ખર્ચ માટે રૂ. 53 લાખ અને પ્રવાસ ભથ્થા માટે રૂ. 12.30 લાખ ફાળવાયા છે. તમામ ખર્ચ બાદ કરતાં, નાણાકીય વર્ષના અંતે રૂ. 1,19,64,000 ની પુરાંત રહેવાનો અંદાજ છે. આ બજેટમાં વિકાસ શ્રેત્રે 1.08 કરોડ, અને બાંધકામ ક્ષેત્રે રૂ. 75.50 લાખની ફાળવણી કરવામાં આવી છે. શિક્ષણ ક્ષેત્રે પણ રૂ. 2.65 કરોડથી વધુનું અનુદાન મળવાની અપેક્ષા છે, સામાજિક કલ્યાણ માટે રૂ. 10 લાખ અને અન્ય પરચુરણ ખર્ચ માટે રૂ. 20.20 લાખની જોગવાઈ કરવામાં આવી છે.જિલ્લા પંચાયતના બજેટમાં માનવીય અભિગમ અપનાવી, દુર્ઘટનાઓમાં ભોગ બનેલાના પરિવારો માટે સહાયની જાહેરાત કરવામાં આવી છે. થોડા વર્ષો પૂર્વે જામકાની હાઈસ્કૂલમાં સર્જાયેલી દુર્ઘટનામાં જીવ ગુમાવનાર બે વિદ્યાર્થીઓના પરિવારજનોને રૂ. 4.5 લાખની આર્થિક સહાય ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, ભેસાણમાં ગત વર્ષે બનેલા બનાવમાં પણ રૂ. 30 લાખની સહાય ચૂકવવામાં આવી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.ગઈકાલે જુનાગઢ જિલ્લા પંચાયત ખાતે મળેલી સામાન્ય સભાની બેઠક જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુંમર અને જિલ્લા વિકાસ અધિકારી એચ.પી.પટેલની અધ્યક્ષતામાં મળી હતી.
