મંડળીના હોદ્દેદારો રાજકીય સામાજિક આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા
મેંદરડા તાલુકા ના ખેડૂતોની જીવાદોરી સમાન અને ખેડૂત હિતલક્ષી કાર્યો માટે જાણીતી ’શ્રી અટલ ખેડૂત સેવા સહકારી મંડળી’ દ્વારા આજરોજ મેંદરડા માર્કેટિંગ યાર્ડ ખાતે સરકારશ્રીના ધારાધોરણ મુજબ ટેકાના ભાવે તુવેરની ખરીદીના શ્રીગણેશ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મંડળીના હોદ્દેદારો અને રાજકીય તેમજ સામાજિક આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ શ્રીફળ વધેરી અને હારતોરા કરી ખરીદી પ્રક્રિયા ખુલ્લી મૂકવામાં આવી હતી.
આ શુભારંભ પ્રસંગે મંડળીના પ્રમુખ ચંદ્રેશભાઈ ખુંટ,ખેડૂત આગેવાન પરસોતમભાઇ ઢેબરીયા,તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ સંજયભાઈ છોડવડીયા, કમલેશભાઈ સોલંકી, મંડળીના સંચાલક લાલભાઈ પાનસુરીયા, વિપુલભાઈ વાવૈયા તેમજ યુવા ખેડૂત નિલેશભાઈ ઢેબરીયા સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ખરીદી અંગેની મહત્વની વિગતો મા ગુણવત્તાના ધોરણો મંડળીના સંચાલક લાલભાઈએ જણાવ્યું હતું કે, સરકારશ્રીના નક્કી કરેલા ધારાધોરણો મુજબ ખેડૂતો પાસેથી સારી ગુણવત્તાયુક્ત અને સાફ કરેલી તુવેરની ખરીદી કરવામાં આવશે.
પ્રમુખ ચંદ્રેશભાઈ ખુંટએ ખેડૂતોને આશ્વાસન આપતા જણાવ્યું હતું કે, “ખરીદી પ્રક્રિયા દરમિયાન કોઈપણ ખેડૂતને ટેકનિકલ કે અન્ય કોઈ મુશ્કેલી જણાય તો તેમણે સીધો મંડળીના પ્રમુખનો સંપર્ક કરવો, જેથી ખેડૂતોને કોઈ હાલાકી ભોગવવી ન પડે.” આ તકે આગેવાનો સહિત બહોળી સંખ્યામાં સ્થાનિક ખેડૂતો હાજર રહ્યા હતા.
છેલ્લા ઘણા વર્ષોથી ખેડૂતોના અતુટ વિશ્વાસનું પ્રતીક બનેલી શ્રી અટલ ખેડૂત સેવા સહકારી મંડળી દ્વારા ટેકાના ભાવે ખરીદી શરૂ થતા ખેડૂત આલમમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. પારદર્શક વહીવટ અને ખેડૂતલક્ષી અભિગમને કારણે આ મંડળી સમગ્ર તાલુકામાં પંકાઈ રહી છે.
