નેત્રી દોશીએ જૈન સમાજનું નામ રોશન કર્યુ
શ્રી શેત્રુંજય મહાતીર્થની પવિત્ર ભૂમિ પર આજે ભક્તિ અને મક્કમ મનોબળનો અનોખો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. સુરતની વતની અને માત્ર 5 વર્ષની વય ધરાવતી બાળકી નેત્રી અક્ષત દોશીએ ગિરિરાજની કઠિન ગણાતી ’છ ગાઉ’ની પદયાત્રા અત્યંત ઉત્સાહપૂર્વક પૂર્ણ કરી સમગ્ર જૈન સમાજનું મસ્તક ગર્વથી ઊંચું કર્યું છે.
આજરોજ તા. 1/3/2026ના શુભ દિવસે, નેત્રીએ દેવ-ગુરુની કૃપાથી આ યાત્રા સંપન્ન કરી હતી. સામાન્ય રીતે પુખ્ત વયના લોકો માટે પણ જે ચઢાણ અને અંતર કાપવું કઠિન હોય છે, તે અંતર આ નાનકડી બાળકીએ હસતા મુખે કાપીને પોતાની અતૂટ શ્રદ્ધાનો પરિચય આપ્યો હતો. આ પ્રસંગે હાજર રહેલા ભાવિકો અને સમગ્ર જૈન સમાજે હૃદયપૂર્વક તેને ’વધામણા’ આપી બહુમાન કર્યું હતું.નેત્રીની આ સિદ્ધિ કોઈ અકસ્માત નથી, પરંતુ તેના પરિવાર દ્વારા મળેલા ધાર્મિક સંસ્કારોનું પરિણામ છે. ઉલ્લેખનીય છે કે, નેત્રીએ અગાઉ માત્ર 3 વર્ષની ઉંમરે પ્રથમ વખત શ્રી શેત્રુંજય મહાતીર્થના શિખરની યાત્રા કરી હતી.
માત્ર 4 વર્ષની કુમળી વયે ઝારખંડ સ્થિત શ્રી સમેતશિખરજી તીર્થની 27 કિલોમીટર (વંદના) ની અત્યંત કઠિન યાત્રા પણ પૂર્ણ કરી હતી. ભાવનગરના જૈન અગ્રણી દિવ્યકાંત સલોત ની પુત્રી ભવ્યતા બેન ની દીકરી નેત્રીની આ આધ્યાત્મિક સિદ્ધિ બદલ પરિવારજનો અને મિત્રવર્તુળમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. સમાજના અગ્રણીઓએ પણ બાળકીની આ ધગશને બિરદાવી તેને ઉજ્જવળ ભવિષ્ય અને ધર્મ માર્ગે આગળ વધવા માટે આશીર્વાદ પાઠવ્યા છે.
