ચોથી માર્ચ બુધવારે ધૂળેટી પર્વ-ફૂલડોલ ઉત્સવ ઉજવાશે
સાંદીપનિ શ્રીહરિ મંદિરમાં ચંદ્રગ્રહણના લીધે ચોથી માર્ચે બુધવારે ધૂળેટી પર્વ-ફૂલડોલ ઉત્સવ ઉજવાશે.
પોરબંદરમાં સાંદીપનિ વિદ્યાનિકેતન, શ્રીહરિ મંદિરમાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના પાવન સાન્નિધ્યમાં આયોજિત હોળી-ધૂળેટીના ઉત્સવના આયોજનમાં ચંદ્રગ્રહણના લીધે ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાંતા.02/03/2026, સોમવારે હોળી ઉત્સવ યથાવત્ રહેશે. તા. 03/03/2026 મંગળવારના રોજ ચંદ્રગ્રહણના લીધે શ્રીહરિ મંદિરમાં દર્શન બંધ રહેશે તથા તા.04/03/2026, બુધવારના રોજ ધૂળેટીનું રંગોત્સવ પર્વ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવશે.
શ્રીહરિ મંદિરમાં ચંદ ફાગણ સુદ પૂનમ સોમવારના રોજ સાંજે 6:00 વાગ્યેથી ઠાકુરજી સન્મુખ વૃંદાવનથી આવેલ ખાસ રસિયા મંડળી દ્વારા હોળીના રસિયાનું ગાયન કરવામાં આવશે. ત્યારબાદ સાંજે 6:30 થી 7:00 દરમ્યાન શ્રીહરિ મંદિરમાં બિરાજિત ઉત્સવસ્વરૂપ સર્વે દેવી-દેવતાઓના વિગ્રહોની સાથે પૂજ્ય ભાઈશ્રીની ઉપસ્થિતિમાં અબીલ, ગુલાલથી રંગોત્સવ સંપન્ન થશે. 7:00 વાગ્યે સાયં આરતી સંપન્ન થશે અને સંધ્યા આરતી બાદ સાંદીપનિ પરિસરમાં વિધિવત્ સંકલ્પપૂર્વક હોલિકાદહન થશે. આ તકે ઉપસ્થિત રહેનારા સર્વે હરિભક્તોને પૂજ્ય ભાઈશ્રીના વરદ હસ્તે પ્રસાદ વિતરણ થશે.
તા. 03/03/2026, મંગળવાર, શ્રીહરિ નામ સંકીર્તન
તા. 03/03/2026, મંગળવારે ખગ્રાસ ચંદ્રગ્રહણના કારણે શ્રીહરિ મંદિરમાં સંપૂર્ણ દિવસ દર્શન બંધ રહેશે.
શાસ્ત્રોમાં ગ્રહણના સમયે ભગવાનના નામ-જપનો મહિમા અપાર દર્શાવવામાં આવ્યો છે. આથી ચંદ્રગ્રહણ સમયે સાંજે 5:00થી 8:00 દરમિયાન પૂજ્ય ભાઈશ્રીની પાવન ઉપસ્થિતિમાં શ્રીહરિની બગીચીમાં શ્રીહરિનામ સંકીર્તન થશે.
તા. 04-03-2026,બુધવારના રોજ ધુળેટી પર્વના દિવસે સવારે 9:00 વાગ્યેથી વૃંદાવનની રસિયા મંડળી દ્વારા રસિયા ગાનથી ફૂલડોલ ઉત્સવ ઉજવણીનો પ્રારંભ થશે. જેમાં 9:00 થી 11:30 દરમ્યાન શ્રીહરિ મંદિરમાં બિરાજમાન સર્વે દેવી-દેવતાઓ સાથે પૂજ્ય ભાઈશ્રી વિવિધ રંગોથી હોળી રમશે. ત્યારબાદ સાંદીપનિમાં હોળી-ધૂળેટી ઉત્સવ નિમિત્તે પધારેલા મહેમાનો અને દર્શનાર્થીઓ સાથે પૂજ્ય ભાઈશ્રી હોળી રમશે. બપોરે 12:00 કલાકે પૂજ્ય ભાઈશ્રી દ્વારા શ્રીલક્ષ્મી નારાયણ ભગવાનની ફૂલડોલ ઉત્સવની આરતી થશે.
આ સમગ્ર હોળી-ધૂળેટીના રંગોત્સવ પર્વનો આનંદ અને દર્શનનો લાભ લેવા માટે સાંદીપનિ, શ્રીહરિ મંદિર નિમંત્રણ પાઠવે છે.
