ધોરાજીમાં રમજાન માસની ભવ્ય રોનક, ઇબાદત અને ઇખ્લાસનું અનોખું દૃશ્ય

ધોરાજી શહેરમાં પવિત્ર રમજાન માસ શરૂ થતાં જ સમગ્ર શહેરમાં ધાર્મિક ઉત્સાહ, ઇબાદત અને સામાજિક એકતાનું સુંદર દૃશ્ય જોવા મળી રહ્યું છે. રમજાન માસ દરમ્યાન મુસ્લિમ સમાજ દ્વારા રોજા, નમાજ, તિલાવત અને દુઆઓમાં વિશેષ રુચિ સાથે અલ્લાહની બંદગી કરવામાં આવી રહી છે.
શહેરની વિવિધ મસ્જિદોમાં રોજે રોજ રોજા ઇફ્તારના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. રોજેદારો સાંજના સમયે એકત્રિત થઈ અલ્લાહનો શુક્ર અદા કરી રોજા ખોલી રહ્યા છે. મસ્જિદોમાં નમાજ માટે મોટી સંખ્યામાં લોકો હાજર રહે છે, ખાસ કરીને તરાવીહની નમાજ દરમિયાન આધ્યાત્મિક માહોલ સર્જાઈ રહ્યો છે.
સ્ટેશન રોડ પર આવેલ ફારુકી મસ્જિદ ખાતે પણ રમજાન માસ દરમિયાન રોજેદારો માટે ઇફ્તારની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં ખજૂર, શરબત, ફળફળાદી અને ભોજનની વ્યવસ્થા સાથે ભાઈચારા અને સેવાના ભાવ સાથે ઇફ્તાર કરાવવામાં આવે છે. મસ્જિદના સંચાલકો અને સેવાભાવી યુવાનો દ્વારા નિષ્ઠાપૂર્વક આ સેવા આપવામાં આવી રહી છે, જે સમાજમાં પ્રશંસા પામી રહી છે.
રમજાન માસની રોનકને કારણે શહેરના બજારોમાં પણ ખરીદી માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. કપડાં, ટોપી, ઇત્ર, સેવાઈ અને અન્ય આવશ્યક વસ્તુઓની ખરીદી માટે લોકો બજારમાં ઉમટી રહ્યા છે. વેપારીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ પવિત્ર માસ દરમ્યાન મુસ્લિમ સમાજ દ્વારા ગરીબો અને જરૂરિયાતમંદોની મદદ, દાન-ઝકાત અને સદકાના કાર્યો પણ વધ્યા છે. સમગ્ર ધોરાજી શહેરમાં શાંતિ, સહિષ્ણુતા અને ધાર્મિક એકતાનું વાતાવરણ સર્જાયું છે. રમજાન માસ માનવતા, સંયમ અને ઇબાદતનો સંદેશ આપે છે અને ધોરાજીમાં તેનું જીવંત ઉદાહરણ જોવા મળી રહ્યું છે.

રિલેટેડ ન્યૂઝ