ખંભાળિયા નજીક માલવાહક વાહને બુલેટને ઠોકરે લેતા ચાલકનું મોત

અકસ્માત કરી ફરાર થયેલા ડ્રાઈવરની શોધખોળ

જામ ખંભાળિયા હાઈવે પર અકસ્માતના બનાવમાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. અનેક માનવજિંદગીનો ભોગ લેવાયો છે. ત્યારે આજે વધુ એક અકસ્માતના બનાવમાં યુવાનનું મૃત્યું નીપજયાનું પોલીસ ચોપડે નોંધાયું છે. ખંભાળિયાથી આશરે 21 કિલોમીટર દૂર માળી ગામના પાટીયા પાસેથી જી.જે. 03 જે.જી. 0334 નંબરના બુલેટ મોટર સાયકલ પર જઈ રહેલા પુંજાભાઈ નાગાજણભાઈ દાયાણી (ઓડિચ) ના બુલેટ સાથે પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 37 વી 0159 નંબરના મહિન્દ્રા કંપનીના વીરો વાહનના ચાલકે ધડાકાભેર અકસ્માત સર્જતા તેમને ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ મારફતે ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં માથાના ભાગે તથા હાથ અને પગના ભાગે ગંભીર ઈજાઓ થવાના કારણે પુંજાભાઈનું મૃત્યુ નિપજ્યું હોવાનું તબીબોએ જાહેર કર્યું હતું.
આ બનાવ અંગે મૃતકના નાનાભાઈ જેસાભાઈ નાગાજણભાઈ દાયાણી (ઓડીચ) (ઉ.વ. 38, રહે. મોવાણ) ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે મહિન્દ્રા કંપનીના વીરા વાહનના ચાલક સામે ભારતીય ન્યાય સંહિતા તેમજ મોટર વ્હીકલ એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. આ પ્રકરણમાં આગળની તપાસ પી.એસ.આઈ. વી.આર. વસાવા ચલાવી રહ્યા છે.

રિલેટેડ ન્યૂઝ