આ વખતે નવા ચહેરાને તક મળવાની શકયતા
ખંભાળિયા તાલુકાની રાજકીય રીતે મહત્વની એવી ધરમપુર જિલ્લા પંચાયત બેઠક અંગે હાલ રાજકીય વર્તુળોમાં નવી ચર્ચાઓ ઉદ્ભવી રહી છે. છેલ્લા આશરે ત્રણ દાયકાથી સતવારા જ્ઞાતિના અગ્રણી સ્વ. હરિભાઈ નકુમના પરિવારનું આ સીટ પર પ્રભુત્વ રહ્યું છે. હાલમાં તેઓના પુત્ર આ સીટ પર સભ્ય છે. ત્યારે આ વખતે નવા ચહેરાને તક મળવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
ધરમપુર વિસ્તારમાં અગ્રણી અને જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી રસિકભાઈ નકુમનું નામ મજબૂત દાવેદાર તરીકે ચર્ચામાં છે. તેમણે જિલ્લા ભાજપમાં મહામંત્રી તરીકે લગભગ 3 વર્ષ સુધી સક્રિય અને અસરકારક કામગીરી નિભાવી છે. ઉપરાંત, ખંભાળિયા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન તરીકે પણ અઢી વર્ષનો વહીવટી અનુભવ ધરાવે છે. સંગઠન અને સત્તા બંને ક્ષેત્રોમાં તેમનો અનુભવ તેમને પ્રબળ ઉમેદવાર તરીકે આગળ લાવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ધરમપુર જિલ્લા પંચાયત સીટમાં આશરે 60 ટકા મતદારો ધરમપુર ગામના હોવા છતાં, આઝાદી બાદ અત્યાર સુધી ભાજપ દ્વારા ધરમપુરના વતનીને ટિકિટ આપવામાં આવી નથી. આવી પરિસ્થિતિમાં સ્થાનિક પ્રતિનિધિત્વને પ્રાધાન્ય આપવાના દૃષ્ટિકોણથી આ વખતે બદલાવની સંભાવનાઓ વધુ મજબૂત બની રહી છે. આવતા સમયમાં પક્ષ દ્વારા લેવાતા નિર્ણય પર તમામની નજર રહેશે.
