ધોરાજી ખાતે ગતરોજ રાત્રિના સમયે ધોરાજી જામકંડોરણા ચોકડી પાસે આવેલ આઈટીઆઈ સામે સર્વિસ રોડ પર કોળી યુવક પર ધારદાર હથિયાર વડે હુમલો થયેલ જે ઇજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજતા હુમલા નો બનાવ હત્યામાં ફેરવાયો છે.
હત્યાના મામલે ધોરાજી ખાતે કોળી સમાજના ભાઈઓ એકત્રિત થઈ રેલી સ્વરૂપે ધોરાજી પોલીસ વિભાગીય કચેરી ખાતે પહોંચી મૌખિક અને આવેદનપત્ર આપી હત્યામાં સામેલ તમામ આરોપીઓ સામે કાર્યવાહી કરવા માગણી ઉચ્ચારી હતી. અને કોળી સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે હત્યામાં જેટલા ઈસમો ની સંડોવણી હોય એ તમામની સામે કાર્યવાહી કરવા તેમજ આરોપીઓનું વરઘોડો કાઢવા માગણી ઉચ્ચારી હતી. પોલીસે દાખલ કરેલ ફરિયાદમાં ગુનેગારોના નામ અને કુલ આરોપીઓ મામલે યોગ્ય કાર્યવાહી કરવા ડીવાયએસપી સિમરન ભારદ્વાજ સમક્ષ માગણી કરાઈ હતી.ત્યારે ધોરાજી પોલીસ વિભાગના અધિકારી સિમરન ભારદ્વાજ એ તમામ આરોપીઓ સામે કડક અને નિષ્પક્ષ કાર્યવાહી થશે તેવું રજૂઆત કરતાઓને આશ્વાસન આપ્યું હતું અને બે આરોપીઓ સામે હત્યા અંગેની કલમો નોંધી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
ધોરાજી પોલીસ ને મૃતકના કાકા પરેશભાઈ બારૈયા એ ફરિયાદ આપી હતી જે ફરિયાદમાં જણાવેલ કે ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં શાકભાજી ની પેઢી ધરાવતા હોય ત્યારે વેપારીઓને પૈસા ની લેવડદેવડ કરવા માટે પીઆર આંગડિયા માં વેપારીને ચાર લાખ આપવાના હતા જે આંગળીયા પેઢી આપેલા હતા તે પૈકીની અમુક રકમ બાકી હોય જેને લઇ પીઆર આંગડિયાના ભગીરથસિંહ જેઠવા પૈસાની ઉઘરાણી બાબતે માર્કેટિંગ યાર્ડ પેઢી ખાતે આવેલ અને ત્યાં ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી પૈસાની ચુકવણી કરી આપવા જણાવ્યું હતું ત્યારબાદ ફરી સાંજના સમયે આરોપીના ફોન આવેલ અને મારા દીકરા વિવેક અને પેઢીમાં અન્ય કનુભાઈને ધમકી આપેલ અને ધોરાજી આઈટીઆઈ પાસે બોલાવેલ જેથી મારો પુત્ર વિવેક ભત્રીજો હિમાલય અને કુટુંબી ભાઈ કેશુભાઈ ત્યાં પહોંચ્યા હતા જ્યાં ભગીરથસિંહ જેઠવા રહેવાસી પોરબંદર અને મહિપતસિંહ જેઠવા રહેવાસી પોરબંદર બંને લોકોએ મારા પુત્રને લાકડી વડે માર મારી બ્રેઝા ગાડીમાં તેમના હસ્તક રહેલ કુહાડી કાઢી ભત્રીજા હિમાલયના ગળાના ભાગે તીક્ષ્ણ ઘા મારતા તે તે ઘટના સ્થળે પડી ગયેલ જ્યારે બાકીના કુટુંબીજનોને ઇજા થવા પામી હતી આ દરમિયાન ફરિયાદી ત્યાં પહોંચતા ચાર જેટલા ઈસમો ત્યાં ગાડી છોડી નાસી ગયા હતા.ઇજાગ્રસ્ત ભત્રીજા હિમાલય હરેશભાઈ બારૈયા ને પ્રથમ ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડેલ જ્યાં તેમની સ્થિતિ અત્યંત નાજુક હોવાથી જુનાગઢ વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. ધોરાજી પોલીસે ફરિયાદીની ફરિયાદ નોંધી પોરબંદરના રહીશ અને પી.આર.આંગડિયા ના ભગીરથ સિંહ જેઠવા અને મહિપતસિંહ જેઠવા બંને સામે હત્યાનો ગુનો નોંધી બંને આરોપીઓની અટકાયત કરી લીધી હતી. ફરિયાદીએ જણાવ્યા મુજબ આરોપી ભગીરથસિંહ જેઠવા એ કુહાડી દ્વારા હુમલો કર્યો હતો અને આરોપી મહિપતસિંહ એ લાકડીઓ વડે ઇજા પહોંચાડી હતી તેમ જણાવ્યું હતું. ધોરાજી કોળી સમાજના યુવકનું હત્યામાં મૃત્યુ નીપજતા કોળી સમાજમાં ભારે આક્રોશ અને શોકની લાગણી વ્યાપી જવા પામી છે.
