સ્થાનિક સ્વરાજની ચૂંટણી સંબંધે જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું
દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત અને તેના હેઠળ આવતી ખંભાળિયા, ભાણવડ, દ્વારકા અને કલ્યાણપુર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી તથા ખંભાળિયા નગરપાલિકા અને જામ રાવલ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તેમજ સલાયા નગરપાલિકાની પેટા ચૂંટણી અંતર્ગત આગામી તા. 26 એપ્રિલના રોજ યોજાનાર છે. જિલ્લામાં ચૂંટણી હેઠળના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને કોઇ અનિચ્છનિય બનાવ બનવા ન પામે તેમજ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિમય વાતાવરણમાં થાય અને કોઇ વિક્ષેપો ઉભા ન થાય તે માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
અહીંના જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જિલ્લામાં આવેલ તમામ આત્મરક્ષણના, પાકરક્ષણના પરવાનેદારો (અપવાદ સિવાયના)એ તેમના પરવાના વાળા હથિયાર સાત દિવસમાં સબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવી, તે અંગેની પહોંચ મેળવી લેવાની રહેશે. પોલીસ સ્ટેશન તરફથી સૂચના મળવાની રાહ જોયા વિના આ આદેશને સૂચના ગણી હથિયારો જમા કરાવી દેવા આદેશ કરવામાં આવે છે.
આ જાહેરનામું દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરજ બજાવતા તમામ મેજિસ્ટ્રેટ, કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ કે જેઓને કાયદા મુજબ હથિયાર (સરકારી કે અંગત) ધારણ કરવાની મંજૂરી આપેલ છે અથવા પરવાનો ધરાવે છે, તેઓ અથવા ચૂંટણી ફરજ ઉપર હોય તે તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં આવેલ સરકારી, અર્ધસરકારી સંસ્થાઓ (બેંક, કોર્પોરેશન સહીત)ના નામે જે હથિયાર પરવાનો ધરાવતા હોય તેમને તેમના પરવાના વાળા હથિયારો હેરફેર કરવા પર પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે.
ઔધોગિક એકમો, ખાનગી સંસ્થાઓ, ટ્રસ્ટ વિગેરે પોતે પરવાના ધરાવતી હોય તે સંસ્થા અને માન્યતા ધરાવતી સિક્યુરીટી એજન્સીના ગનમેન કે જેઓ રાષ્ટ્રીયકૃત, સહકારી કે કોમર્શિયલ બેન્કો, એ.ટી.એમ. તથા કરન્સી ચેસ્ટની લેવડ-દેવડ કરતાં હોય તેવા હથિયારધારી સિક્યુરીટી ગાર્ડને તેમના હથિયાર જમા કરવામાં આથી મુક્તિ આપવામાં આવી છે. આવા સિક્યુરિટી ગાર્ડએ તેઓ બેન્કમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હોય તે સંબંધિત એજન્સી કે એકમનું ફોટોગ્રાફ સાથેનું ઓળખપત્ર પોતાની સાથે રાખવાનું રહેશે. જે-તે સંબંધિત એજન્સી કે એકમના અધિકૃત અધિકારીએ આવા સિક્યુરિટી ગાર્ડની વિગતવાર માહિતી જે તે સંબંધિત પોલીસ સ્ટેશનને આપવાની રહેશે અને સંબંધિત પોલીસ સ્ટેશને આ અંગે નિયમોનુસારની ચકાસણી કરી લેવાની રહેશે. મોટા અને મહત્વના ધાર્મિક સ્થળોના મુખ્ય સંચાલક, મહંત, પૂજારીના નામે મંજૂર કરાયેલ પરવાના અન્વયેના હથિયારો તથા જિલ્લા મેજિસ્ટ્રેટ અથવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ ખાસ પરવાનગી આપેલ તેઓને લાગુ પડશે નહીં.
જિલ્લામાં ચાર કરતા વધારે વ્યકિતઓએ એકત્ર થવા, સભા કે સરઘસ કાઢવા પર પ્રતિબંધ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચૂંટણી હેઠળના વિસ્તારમાં ચૂંટણી દરમિયાન જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને કોઇ અનિચ્છનિય બનાવ બનવા ન પામે તેમજ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિમય વાતાવરણમાં થાય અને કોઇ વિક્ષેપો ઉભા ન થાય તે માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ચૂંટણીઓ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે દેવભૂમિ દ્વારકા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી, તા. 30 એપ્રિલ સુધી અધિકૃત અને સક્ષમ અધિકારી પાસેથી પૂર્વ પરવાનગી મેળવ્યા સિવાય ચાર કરતા વધારે વ્યકિતઓએ એકત્રિત થવુ નહી અથવા કોઇ સભા કે સરઘસ કાઢવું નહી. આ જાહેરનામામાં ફરજ ઉપર હોય તેવી ગૃહરક્ષક દળની વ્યકિત, લગ્નના વરઘોડા, સરકારી ફરજ પરના અધિકારી, કર્મચારી તથા સ્મશાન યાત્રાને આ પ્રતિબંધાત્મક આદેશો લાગુ પડશે નહી. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે તેમ વધુમાં જણાવાયું છે.
