તાલાલા યાર્ડમાં રવિવારથી કેસર કેરીની સીઝનનો શુભારંભ

સાત દિવસ પહેલા પ્રજાને કેરીનો સ્વાદ ચાખવા મળશે : જથ્થાબંધ વેપારી, કમિશન એજન્ટની બેઠક સંપન્ન

તાલાલા માર્કેટિંગ યાર્ડમાં તા.19/04ને રવિવાર થી કેસર કેરીની સીઝન નો શુભારંભ થશે.તાલાલા માર્કેટીંગ યાર્ડના કેસર કેરીના જથ્થાબંધ વેપારીઓ,કમીશન એજન્ટોની મળેલ બેઠકમાં કેસર કેરીની નવી સીઝન અંગે આયોજન ગોઠવાયું.
તાલાલા માર્કેટીંગ યાર્ડ ચેરમેન સંજયભાઈ શિંગાળા તથા સેક્રેટરી રમેશભાઈ ડાંડે આપેલ વિગત પ્રમાણે ગત વર્ષે 26 એપ્રિલ થી કેસર કેરીની સીઝન નો શુભારંભ થયો હતો.આ વખતે સાત દિવસ વહેલી સિઝન શરૂ થઈ રહી છે.ગત વર્ષે 08 જુન-2025 એટલે કે 44 દિવસ કેસર કેરીની સીઝન ચાલી હતી.આ દરમ્યાન દશ કિલો ગ્રામના 04 લાખ 49 હજાર 450 બોક્સ નું વેચાણ થયું હતું.કેરીના ઉત્પાદકોને એક બોક્સ નો સરેરાશ ભાવ 560 ઉપજ્યા હતાં.તાલાલા માર્કેટીંગ યાર્ડમાં કેસર કેરી વેચવા આવતા ખેડૂતો,જથ્થાબંધ તથા છુટક વેપારી ભાઈઓ અને ગ્રાહકોને કોઈ મુશ્કેલી પડે નહીં માટે વેપારી મંડળની બેઠકમાં આયોજન ગોઠવાયું હતું.તાલાલા માર્કેટીંગ યાર્ડમાં વેંચાણ માટે આવતી કેસર કેરી ગુણવત્તાસભર અને પાકે તેવી લાવવા માર્કેટીંગ યાર્ડ નાં પદાધિકારીઓ તથા જથ્થાબંધ વેપારીઓએ કેસર કેરીના ઉત્પાદક કિસાનોને અનુરોધ કર્યો છે.તાલાલા માર્કેટીંગ યાર્ડમાં કેરીના જથ્થાબંધ વેપારી ભાઈઓ,કમીશન એજન્ટો તથા કેરીને લગતી વસ્તુઓના નાનાં મોટાં ધંધાર્થીઓએ તેમની દુકાનો,ઓફીસો કાર્યરત કરવા સંપૂર્ણ તૈયારીઓ શરૂ કરતાં આગામી દિવસોમાં માર્કેટીંગ યાર્ડ ધમધમતું થઈ જશે.

ગત વર્ષે 25 કરોડ 17 લાખનું વેંચાણ થયું હતુ
તાલાલા માર્કેટીંગ યાર્ડમાં ગત વર્ષે દશ કિ.ગ્રામના 04 લાખ 49 હજાર 450 બોક્સ ની આવક થઈ હતી.એક બોકસનો સરેરાશ ભાવ રૂ.560 લેખે વેંચાણ થયું હોય તાલાલા માર્કેટીંગ યાર્ડમાંથી કેસર કેરીના ઉત્પાદક કિસાનોને રૂ.25 કરોડ 17 લાખની આવક થઈ હતી.

ગત વર્ષે 900 ટન કેસર કેરીનું વિદેશ વેચાણ થયું હતું
તાલાલા ઉપરાંત ગુજરાત માં અલગ અલગ વિસ્તારમાં આવેલ પેક હાઉસમાંથી ગત વર્ષે 900 ટન કેસર કેરીની વિદેશમાં નિકાસ થઈ હતી.આ વર્ષે યુદ્ધના કારણે નિકાસમાં ઘટાડો થવાનું પેક હાઉસના સંચાલકોએ જણાવ્યું હતું.

અમેરિકાના વોશિંગ્ટનમાં મળશે તાલાલા ગીરની કેસર કેરી : ત્રણ કિલોના 800 બોક્સ રવાના થયા
યુદ્ધની સ્થિતિ વચ્ચે તા. 15મીએ 2.5 ટન કેરી અમેરિકા પહોંચશે
તાલાલા પંથક નું અમૃતફળ કેસર કેરી દેશના સીમાડા ઓળંગી હવાઈ માર્ગે વોશિંગ્ટનની બજારમાં પહોંચશે…તાલાલા માર્કેટિંગ યાર્ડ સંચાલિત મેંગો પેક હાઉસમાં વોશિંગ,ગ્રેડિંગ,હોટ વોટર,પ્રિ-કુલિંગ,રાયપનીંગ કરી 2.5 ટન કેસર કેરીના ત્રણ કિલોના આકર્ષક બોક્સમાં તૈયાર થયેલ 800 બોક્સ અમદાવાદ થી એર કાર્ગો મારફત તા.15 મીએ અમેરિકાના વોશિંગ્ટન શહેરમાં પહોંચશે. એ.પી.એમ.સી.મેંગો પેક હાઉસના સંચાલક વિપુલભાઈ સોરઠીયા તથા દિપકભાઈ ચાંદેગરા એ આપેલ વધુ વિગત પ્રમાણે ખુશ્બુદાર મીઠી મીઠી કેસર કેરીના ત્રણ કિલોના બોક્સમાં 12 નંગ ભરતી કરી કેરીના આકર્ષક બોક્સ તૈયાર કરવામાં આવ્યા…અમદાવાદ પાસે બાવળા ખાતે રેડીએશન પ્રોસેસ થઈ આ વર્ષે પ્રથમ વખત 800 બોક્સ(2.5 ટન) અમેરિકા મોકલવામાં આવ્યા છે.હવાઈ માર્ગે ગત વર્ષે એક કિલો કેસર કેરી રૂ.400 માં અમેરિકા પહોંચતી હતી.આ વર્ષે યુદ્ધના કારણે ફ્લાઇટના ભાડામાં પણ 50 ટકા વધારો થતા રૂ.600 ટ્રાન્સપોર્ટીંગ ભાડું થયું છે.બીજા દેશો જેવા કે યુરોપ,ગલ્ફ અને યુ.કે જેવા દેશોમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ કેસર કેરીની જબરી માંગ છે પરંતુ યુદ્ધની પરિસ્થિતિના કારણે એક્સપોર્ટ ઓછું થવાની સંભાવના છે.

રિલેટેડ ન્યૂઝ