ઉના નગરપાલિકા ચૂંટણીમાં 36માંથી 12 બેઠક ભાજપની બિનહરીફ

આપના 12 ઉમેદવારોના ફોર્મ ટેકેદારો ફરી જતાં અમાન્ય: કોંગ્રેસના શહેર પ્રમુખનું ફોર્મ છબરડાને લીધે રદ

ઉના નગરપાલિકાની 36 બેઠકોની ચૂંટણી માટે કુલ 80 ઉમેદવારોએ ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી પત્રો રજૂ કર્યા હતા. તા. 13, સોમવારના રોજ ફોર્મ ચકાસણીનો દિવસ હોવાથી સવારથી જ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો ચૂંટણી અધિકારીની કચેરીએ ઉમટી પડ્યા હતા.ફોર્મ ચકાસણી દરમિયાન મોટા ઉલટફેર સર્જાયા હતા. આમ આદમી પાર્ટીના 12 ઉમેદવારોના ટેકેદારો અને દરખાસ્ત રજૂ કરનારાઓએ ઉમેદવારી ફોર્મ પર પોતાની સહી ન હોવાની લેખિત રજૂઆત કરી સોગંદનામું રજૂ કરતાં ટેકનિકલ કારણોસર તમામ 12 ફોર્મ અમાન્ય ઠર્યા હતા. બીજી તરફ કોંગ્રેસના શહેર પ્રમુખ ગુણવંતભાઈ તળાવીયાએ રજૂ કરેલા ફોર્મમાં ગંભીર છબરડા બહાર આવ્યા હતા. ફોર્મમાં ટેકેદાર અને દરખાસ્ત કરનાર તરીકે ઉમેદવારનું જ નામહોવાથી ટેકનિકલ ખામીને કારણે તેમનું ફોર્મ પણ રદ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત બે અપક્ષ ઉમેદવારોએ સ્વૈચ્છિક રીતે પોતાના ફોર્મ પરત ખેંચી લીધા હતા.
ફોર્મ ચકાસણીના અંતે ભાજપ માટે વિજય મુહૂર્ત સર્જાયું હોય તેમ વોર્ડ નં. 2ના ચારેય, વોર્ડ નં. 3ના 3, વોર્ડ નં. 5ના 2, વોર્ડ નં. 6નો 1 અને વોર્ડ નં. 9ના 2 મળીને કુલ 12 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. વોર્ડ નં. 2માં ચારેય મુસ્લિમ ઉમેદવારો બિનહરીફ થતાં ભાજપ છાવણીમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી.હવે ઉના નગરપાલિકાના 9 વોર્ડની 36 બેઠકો પૈકી માત્ર 24 બેઠકો પર જ ચૂંટણી યોજાશે. જોકે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસ બાદ ચૂંટણીનું સ્પષ્ટ ચિત્ર સામે આવશે.નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે શહેરમાં માત્ર એક જ ઉમેદવાર ઊભો રાખ્યો હતો અને તે પણ શહેર પ્રમુખ જ હતા. પરંતુ તેમના ફોર્મમાં થયેલા છબરડાને કારણે કોંગ્રેસ હાસ્યાસ્પદ સ્થિતિમાં મુકાઈ ગઈ છે અને પક્ષની આબરૂના ધજાગરા ઉડ્યા છે. હાલની સ્થિતિએ ઉના નગરપાલિકા વિસ્તારમાં મુખ્ય ચૂંટણી જંગ આમ આદમી પાર્ટી અને ભાજપના ઉમેદવારો વચ્ચે ખેલાશે એવું લાગી રહ્યું છે. પરંતુ 12 બેઠકો બિનહરીફ થવાથી ભાજપનો એકતરફી ભવ્ય વિજય નિશ્ચિત થાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

રિલેટેડ ન્યૂઝ