એક મહિલા સહિત ત્રણ લોકો ઘાયલ બચાવવા જનારા વીજ કરંટનો ભોગ બન્યા
ગઢડા(સ્વામીના) શહેરના સામાકાંઠા વિસ્તારમાં ગત મોડી સાંજે પોતાના ઘરે રહેતા એક પરિવાર સાથે ઇલેક્ટ્રિક શોક લાગવાની ગમખ્વાર દુર્ઘટના થતા એકજ પરિવારના ચાર વ્યક્તિ દુર્ઘટનાનો ભોગ બનતા પરિવાર ઉપર આકાશ તૂટી પડ્યાની દુ:ખદ ઘટના બનતા ભારે અરેરાટી ફેલાઇ જવા પામી છે. આ બનાવ અંગે વધારે જાણવા મળતી વિગત અનુસાર ઘટના શહેરના અડતાળા રોડ ઉપર રહેતા અને વેલ્ડીંગ કામ કરતા એક જ પરિવારના ચાર સભ્યોને પોતાના ઘરે વીજ લોનના મુખ્ય કેબલ સાથે દુર્ઘટના થતા વીજ કરંટ લાગ્યો હતો. જેના પગલે એક યુવકનું મોત અને પરિવારના અન્ય ત્રણ વ્યક્તિઓ ઘાયલ થતા સારવાર માટે ખસેડાયા છે. આ બાબતે જાણવા મળતી પ્રાથમિક વિગત અનુસાર ઇલેક્ટ્રિક કેબલ ક્રેક થયો હતો. જેના કારણે જીમીતભાઈ બટુકભાઈ મકવાણા (ઉં. 32) કેબલને ખસેડવા દોડી જતા તેમને વીજ કરંટ લાગ્યો હતો. તેમને બચાવવાના પ્રયાસમાં પરિવારના અન્ય સભ્યોને પણ કરંટ લાગ્યો હતો. આ ઘટનામાં જીમીતભાઈ બટુકભાઈ મકવાણાનું કરંટ લાગવાથી મૃત્યુ થયું છે. જ્યારે ભરતભાઈ મકવાણા, હીનાબેન જીમીતભાઈ મકવાણા અને પરસોતમભાઈ મકવાણાને ઇજાઓ થઈ હતી. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે બોટાદ હોસ્પિટલમાં સારવારઅર્થે ખસેડવામાં આવેલ. આ ઘટનાની જાણ થતાં પોલીસ સહિત વિસ્તારના લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા.
