તાલાલા તાલુકા ચારણ સમાજ દ્વારા સંગઠનનું નવસર્જન: હકાભાઈ ગઢવી પ્રમુખપદે વરાયા

આઈશ્રી રૂપલમાં(રામપરા ધામ),લોકસાહિત્યના મહારથી રાજભા ગઢવી,સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર માયાભાઈ આહીર વિગેરે ઉપસ્થિત રહ્યા

તાલાલા પંથકની પવિત્ર ભૂમિ ગુંદરણ ગીર ગામ પાસે આવેલ પ્રેમનગર નેશ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહના પાવન અવસર દરમ્યાન તાલાલા ગીર વિસ્તારના ચારણ સમાજની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં સમાજના ઉત્થાન અને સંગઠનને મજબૂત બનાવવાના સંકલ્પ સાથે નવી કારોબારીની વરણી કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે શ્રી હકાભાઈ હરસુરભાઈ ટાપરીયા(ધાવા ગીર)અને ઉપપ્રમુખ તરીકે શ્રી ગોગનભાઈ નાગભાઈ શેખડીયા(આંકોલવાડી ગીર)ની સર્વાનુમતે નિમણૂંક કરવામાં આવી છે.ગીર ચારણ સમાજના ગૌરવવંતા આ ધાર્મિક અવસરે આઈશ્રી રૂપલમાં(રામપરા ધામ),લોકસાહિત્યના મહારથી શ્રી રાજભા ગઢવી,સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર શ્રી માયાભાઈ આહીર સહિતના નામી-અનામી કલાકારો અને સામાજિક અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.સૌએ નવનિયુક્ત હોદ્દેદારોને વધાવ્યા હતા.. નવું નેતૃત્વ ચારણ સમાજના વિકાસ માટે અવરોધરૂપ સમસ્યા અને પ્રશ્નોનું સુખરૂપ નિવારણ લાવવા સફળતા પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી..સમાજની જવાબદારી સોંપવા બદલ નવનિયુક્ત પદાધિકારીઓએ સમાજનો આભાર વ્યક્ત કરી સૌને સાથે રાખી સંગઠન સક્રિય અને મજબૂત બનાવવા સમાજને ખાત્રી આપી હતી.
તાલાલા ગીર વિસ્તાર ચારણ સમાજના પ્રાણ પ્રશ્નોનું નિવારણ લાવો
સમાજના યુવાનો અને નાગરિકો માટે આદિજાતિના દાખલા મેળવવામાં અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે.ફોરેસ્ટ અને રેવન્યુ વિભાગ દ્વારા સમાજના પરિવારોને કરવામાં આવતી કનડગત દૂર કરી ચારણ સમાજને પ્રાપ્ત થયેલ આબાધીત અધિકાર પ્રમાણે આદિજાતિના પ્રમાણપત્રો આપવા આ બેઠકમાં ઠરાવ સાથે માંગણી કરવામાં આવી હતી.
નેશ વિસ્તારમાં પાયાની સુવિધાઓ
ગીરના જંગલમાં આવેલ નેશ વિસ્તારોમાં આજે પણ શિક્ષણ,આરોગ્ય અને પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે જે ખૂબ જ ગંભીર પ્રશ્ન છે.સરકાર ગીરનાં નેસમાં વસવાટ કરતા માલધારી પરિવારોને પીવાનું પાણી શિક્ષણ અને આરોગ્યની સવલત માટે તુરંત પરિણામલક્ષી કાર્યવાહી કરવા એકી અવાજે માંગણી કરવામાં આવી હતી.
ચારણ સમાજ અન્યાય સામે અવાજ ઉઠાવશે
સમાજના નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખે જણાવ્યું હતું કે, અત્યાર સુધી રાજકીય અને સામાજિક ક્ષેત્રે સમાજની જે અવગણના થઈ છે તેને હવે સહન કરવામાં નહીં આવે…સમાજનું સંગઠન મજબૂત બનાવવા સમયાંતરે બેઠકો યોજી સમાજના સંગઠનને કાર્યદક્ષ બનાવી સમાજના વિકાસ માટે અવરોધરૂપ સમસ્યા નાં નિરાકરણ માટે સરકાર અને તંત્ર સુધી રજૂઆત કરવા નિર્ણય કરવામાં આવ્યો હતો.તાલાલા પંથક ચારણ સમાજ નવસર્જન માળખાથી સમાજમાં હર્ષની લાગણી ફેલાઈ છે અને સામાજિક એકતા વધુ સુદ્રઢ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.

રિલેટેડ ન્યૂઝ