વાડીએ ઘઉં કાઢવાનું કામ ચાલુ હતું ત્યારે ઘટના બની
જિલ્લાના સાયલા પંથકમાં ખેતીકામ દરમિયાન એક કમકમાટીભરી ઘટના સામે આવી છે. સાયલાના ગુંદિયાવડા ગામના એક યુવાન ખેડૂતનું ખેતરમાં કામ કરતી વખતે મશીનમાં લૂંગી ફસાઈ જવાને કારણે કરૂણ મોત નીપજ્યું છે. પરિવારના એકના એક લાડકવાયા પુત્રના અકાળે અવસાનથી સમગ્ર પંથકમાં અને ગુંદિયાવડા ગામમાં માતમ છવાયોઘટનાની મળતી માહિતી અનુસાર, સાયલા તાલુકાના ગુંદિયાવડા ગામનો યુવાન જીગ્નેશ મેર સેજકપરની સીમમાં આવેલી એક વાડીમાં ઘઉં કાઢવાનું કામ કરી રહ્યો હતો.ઘઉં કાઢવાના હલર મશીન પાસે કામ કરતી વખતે જીગ્નેશે ગળામાં રાખેલી લૂંગી અચાનક ચાલુ મશીનમાં ફસાઈ ગઈ હતી. મશીનની ગતિ એટલી ઝડપી હતી કે, યુવાન કંઈ સમજે તે પહેલા જ તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.આ અકસ્માત એટલો ગંભીર હતો કે, યુવાનને સારવાર મળે તે પહેલા જ તેણે દમ તોડી દીધો હતો. જીગ્નેશ તેના પરિવારનો એકનો એક પુત્ર અને ઘરનો મુખ્ય આધારસ્તંભ હતો. જુવાનજોધ દીકરાના મોતના સમાચાર મળતા જ પરિવારજનો પર આભ ફાટ્યું છે. ખેતરમાં કામ કરતા કરતા જીવ ગુમાવતા ગામ આખું હિબકે ચડ્યું છે.ઘટનાની જાણ થતા જ સાયલા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે યુવાનના મૃતદેહને કબજે કરી સાયલા સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો. હાલ પોલીસે આ અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
