સૌરાષ્ટ્ર-કચ્છમાં સૂર્યનારાયણ કોપાયમાન : ભૂજમાં 43.8, રાજકોટ-અમરેલીમાં 43.3 ડિગ્રી તાપમાન

અસહ્ય તાપમાનના કારણે લોકો ત્રાહિમામ : માર્ગો સુમસામ

આજે પણ સૌરાષ્ટ્ર-કચ્છમાં સૂર્યનારાયણ કોપાયમાન રહ્યા હતાં કચ્છમાં ભૂજ 43.8 ડિગ્રી સાથે અને સૌરાષ્ટ્રમાં રાજકોટ અને અમરેલી 43.3 ડિગ્રી સાથે હોટ સિટી બન્યા હતાં. દીવમાં 39.2 દ્વારકામાં 32.3, કંડલામાં 39.3, નલિયામાં 38.4, ઓખામાં 33.3, પોરબંદરમાં 37.2, વેરાવળમાં 32.9, ભાવનગરમાં 38.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે.
રાજકોટમાં ગઈકાલે ચાલુ સિઝનનું હાઈએસ્ટ 44.4 ડિગ્રી તાપમાન નોંધાયા બાદ આજે બપોરે 2-30 કલાકે તાપમાનમાં આંશિક ઘટાડો દેખાયો હતો. જોકે 14 કિ.મી.ની ઝડપે અંગ દઝાડતી લૂ યથાવત રહેતા આજે પણ શહેરનું મહતમ તાપમાન 44 ડિગ્રી નજીક પહોંચી જવાની શકયતા હવામાન વિભાગે દર્શાવી છે. સ્થાનિક હવામાન કચેરીનાં જણાવ્યા મુજબ બપોરે 2-30 કલાકે રાજકોટનું તાપમાન 42.8 ડિગ્રી નોંધાયુ હતું અને હવામાં ભેજ 19 ટકા રહ્યો હતો.
જયારે સવારે 8-30 કલાકે તાપમાન 30 ડિગ્રી અને લઘુતમ તાપમાન 25.4 ડિગ્રી નોંધાયુ હતું. તેમજ સવારે હવામાં ભેજ 53 ટકા રહ્યો હતો અને પવનની સરેરાશ ઝડપ 12 કી.મી. રહેવા પામી હતી. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આવતીકાલથી પશ્ર્ચિમના ભેજવાળા પવનો ફૂંકાવાથી તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થશે, અને મહતમ તાપમાન 40થી 41 ડિગ્રી વચ્ચે નોંધાશે. આમ કાલથી ગરમીમાં આંશિક રાહત થશે.

વેધર એનાલિસ્ટની આગાહી
ચાલુ સપ્તાહમાં તાપમાન 41થી 44 ડિગ્રીની રેન્જમાં રહેશે : કોઈ રાહત નહીં
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં આકરા ઉનાળાનો પરચો છે અને અમુક સેન્ટરોમાં મહત્તમ તાપમાન 44 ડીગ્રીથી પણ ઉંચે પહોંચ્યું છે. જ્યારે હજુ ચાલુ સપ્તાહમાં તેમાં કોઇ નોંધપાત્ર રાહત મળવાની સંભાવના ન હોવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઇ પટેલે કરી છે.તેઓએ આજે વાતચીતમાં કહ્યું કે રાજ્યના ગરમ સેન્ટરોમાં મહત્તમ તાપમાન સરેરાશ કરતાં બે થી ચાર ડીગ્રી વધુ રહ્યું છે. અમદાવાદનું નોર્મલ તાપમાન 41.6 ગણાય છે. જ્યાં મહત્તમ તાપમાન 44.8 નોંધાયું હતું. તા.3 મે સુધીની આગાહીમાં તેઓએ કહ્યું કે રાજ્યનું નોર્મલ તાપમાન 40.5 થી 41.5 ડીગ્રી ગણાય છે. આગાહીના સમયમાં તે 41 થી 44 ડીગ્રીની રેન્જમાં રહેવાની શક્યતા છે. અર્થાત નોર્મલથી વધુ જ રહેવાની અને વર્તમાન આકરી ગરમીમાંથી કોઇ નોંધપાત્ર રાહત મળવાની સંભાવના છે. જો કે, તાપમાનમાં 1 થી 3 ડીગ્રીની વધઘટ શક્ય છે અને તે રીતે 41 થી 44 ડીગ્રીની રેન્જમાં રહેશે. આગાહીના દિવસોમાં પવન મુખ્યત્વે પશ્ર્ચિમી રહેશે અને ઝડપ 15 થી 25 કીમીની રહી શકે છે. ઝાટકાના પવનની ગતિ 25 થી 35 કીમીની રહેશે. મોટા ભાગના દિવસોમાં આકાશ સ્વચ્છ જ રહેવાની સંભાવના છે.

રિલેટેડ ન્યૂઝ