ભાણવડ તાલુકા પંચાયતમાંથી કોંગ્રેસ પાસેથી ભાજપે સત્તા આંચકી લીધી

16 બેઠકમાંથી 14માં કમળ ખીલ્યું: આપ બે સીટ પર વિજય

ભાણવડ તાલુકા પંચાયતની ચૂંટણીનું પરિણામ જાહેર થતા જ કુલ 16 બેઠકમાંથી ભાજપે 14 જેટલી બેઠક પર ભવ્ય વિજય મેળવી કોંગ્રેસ પાસેથી સતા આંચકી લીધી છે. કોંગ્રેસને એકપણ બેઠક નહી મળતા તેની શરમ-જનક હાર થઈ છે. જ્યારે પ્રથમ વખત તાલુકા પંચાયતની ચૂંટણી લડતા આપને ફાળે બે બેઠક આવી છે. તેમજ જીલ્લા પંચાયતની આ વિસ્તારની ચારેય બેઠક પર પણ ભાજપનો ભગ્વો લહેરાયો છે. અને કોંગ્રેસ તેમજ આપનો કરૂણ રકાસ થયો છે. ગત રવિવારે ભાણવડ તાલુકા પંચાયતની કુલ 16 અને જિલ્લા પંચાયતની ચાર બેઠકની ચૂંટણી યોજાઈ હતી. મતદાન પૂર્ણ થયા બાદ તમામ ઉમેદવારોનું ભાવિ. ઈ.વી.એમ. મશીનમાં કેદ થયું હતું બાદમાં અત્રે સરકારી વિનયન કોલેજ ખાતે પોલીસના ચૂસ્ત બંદોબસ્ત સાથે મત ગણતરીનો પ્રારંભ થયો હતો, શરૂઆતથીજ ભાજપ તરફી પરિણામ આવતા ટેકેદારોમાં હર્ષ છવાયો હતો. પરિણામના અંતે ભાજપે ભાણવડ તાલુકા પંચાયતમાં 16 બેઠકમાંથી 14 જેટલી બેઠક કબ્જે કરી કોંગ્રેસ પાસેથી સતા ખેંચવામાં સફળ થઈ છે. કોંગ્રેસને તાલુકા પંચાયતમાં એકપણ બેઠક નહી મળતા તેનો સંપૂર્ણ સફાયો થયો હતો. જ્યારે આપે તાલુકા પંચાયતની બે બેઠક પર વિજય મેળવી જીતના શ્રી ગણેશ કર્યા હતા.જ્યારે ભાણવડ વિસ્તારમાં જિલ્લા પંતાયતની આવતી ચારેય બેઠક પર ભગવો લહેરાયો છે. અહી પર કોંગ્રેસ અને આપનો કારમો પરાજય થયો છે. ચૂંટણીમાં મત ગણતરી પૂર્ણ થયા બાદ વિજેતાઓના વિજય સરધસ નિકળ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ