ભાજપ નિરીક્ષકોની હાજરીમાં સામાન્ય સભામાં તમામ હોદ્દેદારો બિનહરીફ જાહેર, વિકાસને વેગ આપવાનો નવા પ્રમુખનો સંકલ્પ
તા. 18 મે, 2026: ઉના નગરપાલિકાના સભાખંડમાં આજે મળેલી સામાન્ય સભાની બેઠકમાં વર્ષ 2026 માટેના નવા હોદ્દેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટી દ્વારા નિયુક્ત કરાયેલા નિરીક્ષકોની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડકની નિમણૂક કરવામાં આવી હતી. પ્રમુખ પદ માટે માત્ર એક જ ઉમેદવારીપત્ર રજૂ થતાં હંસાબેન ભોળુભાઈ રાઠોડ ની બિનહરીફ વરણી કરવા માં આવી હતી. આ ઉપરાંત ઉપપ્રમુખ પદે મિતેષભાઈ હરકિશનભાઈ શાહ, કારોબારી સમિતિના ચેરમેન પદે ધનશ્યામભાઈ મનસુખલાલ જોષી, શાસક પક્ષના નેતા તરીકે અશ્વિનભાઈ રાજાભાઈ ડાભી અને દંડક તરીકે દિલીપભાઈ મોહનભાઈ ઠક્કર બિનહરીફ જાહેર થયા હતા.
આ સામાન્ય સભામાં પ્રાંત અધિકારી કૌશિકભાઈ પરમાર તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસર જયદેવ ભાઈ ચૌહાણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નગરપાલિકા ના તમામ 36 સભ્યો પણ બેઠકમાં હાજર રહ્યા હતા. નવા હોદ્દેદારોની નિમણૂક પ્રક્રિયા પહેલા સ્થાનિક ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ સહિત ભાજપ સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહી કાર્યકરોમાં ઉત્સાહ વધાર્યો હતો.નિમણૂક બાદ નવા સુકાની અને મહિલા પ્રમુખ હંસાબેન ભોળુભાઈ રાઠોડે પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ઉના શહેરમાં હાલ ચાલી રહેલા અવિરત વિકાસ કાર્યોને હજુ વધુ વેગ આપવામાં આવશે. શહેરના દરેક વિસ્તાર ની સમસ્યાઓનું યુદ્ધના ધોરણે નિરાકરણ લાવી, નાગરિકોની જરૂરિયાત મુજબના લોકહિતના કાર્યો કરવા હું કટિબદ્ધ છું.તેમણે વધુમાં ઉમેર્યું કે, પાલિકાના તમામ સભ્યોને સાથે રાખીને ટીમવર્કથી કામ કરવામાં આવશે અને ઉનાને એક આદર્શ શહેર બનાવવાની દિશામાં નક્કર કામગીરી કરવામાં આવશે.નવા હોદ્દેદારોની વરણી બાદ ભાજપ કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને નગરપાલિકા પરિસરમાં શુભેચ્છા આપવા કાર્યકરોનો ધસારો જોવા મળ્યો હતો.
