ભાજપના ટેકાથી આમ આદમી પાર્ટીના સભ્ય બન્યા લાઠી તાલુકા પંચાયત પ્રમુખ

ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી, પણ ઓબીસી મહિલા ઉમેદવાર ન હોવાથી
પ્રમુખના ઉમેદવાર મોડા પહોંચતા ઘડીભર ગરમાયું વાતાવરણ, કોંગ્રેસે ઉઠાવ્યા વાંધા છતાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ

અમરેલી જિલ્લાની તમામ 11 તાલુકા પંચાયતોમાં આજે પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી યોજાઈ હતી. જેમાં સૌથી વધુ રસપ્રદ અને રાજકીય રીતે ચર્ચાસ્પદ ચૂંટણી લાઠી તાલુકા પંચાયતમાં જોવા મળી હતી. પ્રમુખ પદના ઉમેદવાર રમીલાબેન પુનતિયા સભા ખંડમાં થોડા મોડા પહોંચતા ઘડીભર માટે સભાખંડમાં તંગદિલીભર્યું વાતાવરણ સર્જાયું હતું. અને કોંગ્રેસે વિરોધ નોંધાવતા મામલો ગરમાયો હતો. જો કે ચૂંટણી અધિકારીએ નિયમો મુજબ કાર્યવાહી આગળ વધારતા અંતે ભાજપના ટેકાથી આપ પાર્ટીના સભ્ય રમીલાબેન પુનતિયા પ્રમુખ પદે બિનહરીફ સમાન રીતે વરાયા હતા.
લાઠી તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે ભાજપ દ્વારા જાહેર કરાયેલા ઉમેદવાર રમીલાબેન પુનતિયા સભા ખંડની બેઠકમાં દરમિયાન મોડા પહોંચતા રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. કોંગ્રેસના નેતા જેનીબેન ઠુમ્મરે ઉમેદવારને સભાખંડમાં પ્રવેશ આપવા મામલે વાંધો ઉઠાવતા કેટલાક સમય માટે વાતાવરણમાં તંગદિલી સર્જાય હતી. ત્યારે ચૂંટણી અધિકારીએ નિયમોનો ઉલ્લેખ કરીને પ્રમુખપદના ઉમેદવાર રમીલાબેન પુનતિયાને બેઠકમાં હાજર રહેવા માટે બોલાવ્યા હતા. ત્યારબાદ સમગ્ર પ્રક્રિયા નિયમસર પૂર્ણ કરવામાં આવી હતી.
લાઠી તાલુકા પંચાયતમાં ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી હોવા છતાં એક પણ ઘઇઈ મહિલા ઉમેદવાર ચૂંટાયા ના હોય જેથી પ્રમુખપદ માટેના ઉમેદવારનો અભાવ હોવાથી ભાજપે રાજકીય સમીકરણ ગોઠવી આપ પાર્ટીના સભાડિયા બેઠકના સભ્ય રમીલાબેન પુનતિયાને પ્રમુખ પદ માટે ટેકો આપ્યો હતો. પરિણામે આપ પાર્ટીના સભ્ય હોવા છતાં ભાજપના સમર્થનથી તેઓ પ્રમુખ પદે વરાયા હતા. આ સમગ્ર ઘટનાક્રમને કારણે લાઠી તાલુકા પંચાયતની ચૂંટણી જિલ્લાભરમાં ચર્ચાનો વિષય બની હતી. ભાજપે સત્તા પોતાના હાથમાં જાળવી રાખવા માટે રાજકીય વ્યૂહરચના અપનાવી આપ પાર્ટીના સભ્યને પ્રમુખ બનાવી સત્તા હાંસલ કરી હોવાની ચર્ચાઓ રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ લાઠી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પદે પંકજ બલરની વરણી કરવામાં આવી હતી જ્યારે કારોબારી ચેરમેન તરીકે રીંકલબેન પરમારની પસંદગી કરવામાં આવી હતી. લાઠી તાલુકા પંચાયતની આ ચૂંટણીમાં સર્જાયેલા રાજકીય નાટક અને અંતિમ પરિણામે સમગ્ર અમરેલી જિલ્લા રાજકારણમાં નવી ચર્ચાને જન્મ આપ્યો છે.

રિલેટેડ ન્યૂઝ