દ્વારકા જિલ્લાના આયોજન મંડળની બેઠકમાં રૂા.93 કરોડથી વધુના કામને મંજુરી

જનવિકાસ કાર્યોને સમયસર શરૂ કરવા પ્રભારી મંત્રીની સુચના

ખંભાળિયામાં જિલ્લા કલેકટર કચેરી ખાતે દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી મંત્રી તથા શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાની અધ્યક્ષતામાં તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ ગૌરીબેન હાથિયાની ઉપસ્થિતિમાં જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી. જિલ્લા આયોજન મંડળની બેઠકમાં વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળની વિવિધ જોગવાઇઓ હેઠળ વર્ષ 2026-27 ના (વિવેકાઘીન જોગવાઇ(સામાન્ય), (અનુ.જાતી પેટા યોજના), 5 ટકા પ્રોત્સાહક, વિવેકાધીન નગરપાલીકા) વગેરે યોજનાઓમાં વિકાસના 252 કામો માટે રૂા. 930.84 લાખના કામોને મંજુરી આપવામાં આવી હતી. વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળની વિવિધ જોગવાઇઓ હેઠળ વર્ષ 2025-26 ના કામોની સમીક્ષા પણ કરવામાં આવી હતી અને સાંસદ અને ધારાસભ્યની ગ્રાન્ટના કામોની પણ સમીક્ષા તેમજ કામોને સમયાંતરે પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી. પ્રભારી મંત્રીએ અધિકારીઓને જનવિકાસ કાર્યોને સમયસર શરૂ કરવા અને અગાઉના વર્ષના બાકી કામો તાકીદે પૂર્ણ કરવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં જિલ્લા આયોજન અધિકારી ઝેડ.એ. બારૈયા દ્વારા સંકલિત માહિતી રજૂ કરાઈ હતી. જિલ્લા આયોજન મંડળની બેઠકમાં ધારાસભ્ય મુળુભાઈ બેરા, ધારાસભ્ય હેમંતભાઈ ખવા વર્ચ્યુઅલ માધ્યમથી તેમજ ઈનચાર્જ જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. જોશી, નાયબ કલેકટર રિદ્ધિ રાજ્યગુરુ, જિલ્લા આયોજન મંડળના નિરીક્ષક એન.આર. ટોપરાણી તેમજ તાલુકા પંચાયત, નગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ