કાળઝાળ ગરમીમાં પાણી અને શિકારની શોધમાં એશિયાટિક સિંહ પહોંચ્યો લાઠી નજીક

લાઠી શહેરના પાદરે સિંહની દસ્તક, ખેડૂતોમાં ફફડાટ
હાઇવે પર લોકોના ટોળા ઉમટતાં વાડી વિસ્તારમાં દોડ્યો

અમરેલી જિલ્લાના લાઠી શહેર નજીક એશિયાટિક સિંહ જોવા મળતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. કાળઝાળ ગરમી અને પાણી તેમજ શિકારની શોધમાં જંગલ વિસ્તાર છોડીને સિંહ લાઠીના રેવેન્યુ વિસ્તારમાં આવી પહોંચ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. લાઠી-અમરેલી હાઇવે ઉપર આવેલી કોલેજ નજીક દિવસ દરમિયાન સિંહ જોવા મળતા સ્થાનિકોમાં કુતૂહલ સાથે ભયનો માહોલ સર્જાયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ, હાલમાં ખેતીની સીઝન શરૂ થવાની તૈયારી વચ્ચે ખેડૂતો અને ખેતમજૂરો ખેતરોમાં વિવિધ કામગીરીમાં વ્યસ્ત છે. આવા સમયે શહેરની સીમા નજીક સિંહના આંટાફેરા જોવા મળતા ખેડૂતો અને ખેતમજૂરોમાં ફફડાટ ફેલાયો હતો. સિંહના દર્શન થતાં આસપાસના ગામો અને શહેરના લોકો મોટી સંખ્યામાં સ્થળ પર ઉમટી પડ્યા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ, લાઠી-અમરેલી માર્ગ પર આવેલી કોલેજ નજીક સિંહ થોડો સમય સુધી દેખાયો હતો. ત્યારબાદ લોકોની ભીડ વધતા અને વાહનોની અવર જવર વચ્ચે સિંહ ગભરાઈ ગયો હતો. મોટી સંખ્યામાં લોકો તેને જોવા માટે નજીક પહોંચવાના પ્રયાસો કરતા હોવાથી સિંહે દોડ લગાવી નજીકના વાડી અને ખેતી વિસ્તાર તરફ આશરો લીધો હતો.
સ્થાનિક લોકોનું કહેવું છે કે છેલ્લા કેટલાક સમયથી ગીર અને આસપાસના વિસ્તારોમાંથી સિંહો માનવ વસાહત નજીક આવતા હોવાના બનાવોમાં વધારો નોંધાઈ રહ્યો છે. ગરમીના દિવસોમાં પાણીના સ્ત્રોતો સૂકાતા તેમજ ખોરાકની શોધમાં સિંહો વધુ દૂર સુધી વિચરણ કરતા હોવાનું પણ વન્યજીવ નિષ્ણાતો માને છે.
બીજી તરફ, કેટલાક ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે, સિંહ જોવા મળ્યાની જાણ છતાં વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ના હોય જેના કારણે લોકોની ભીડ વધી હતી. જોકે સત્તાવાર રીતે વન વિભાગ તરફથી આ અંગે કોઈ નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.સિંહના શહેર નજીકના આંટાફેરાને પગલે ખેડૂતો, ખેતમજૂરો તેમજ પશુપાલકોમાં ચિંતા વ્યાપી છે. સ્થાનિકોએ વન વિભાગ દ્વારા સતત પેટ્રોલિંગ, લોકોને જાગૃત કરવા તથા સિંહની હિલચાલ પર નજર રાખવા માટે અસરકારક પગલાં ભરવાની માંગણી કરી છે.

રિલેટેડ ન્યૂઝ