શેત્રુંજય મહાતીર્થની સુરક્ષા સામે સવાલ: ડુંગર પર સિંહ દ્વારા યાત્રિકની બેગ ખેંચી જવાની ઘટનાથી ભયનો માહોલ

જૈનોના પરમ પવિત્ર અને આસ્થાના કેન્દ્ર સમાન પાલીતાણાના શ્રી શેત્રુંજય મહાતીર્થ પર યાત્રિકોની સુરક્ષા અને સલામતીને લઈને ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. રોજ હજારોની સંખ્યામાં દેશ-વિદેશથી ભાવિકો અહીં પવિત્ર ડુંગરની યાત્રા તેમજ દેરાસરોના દર્શન-વંદન કરવા માટે આવે છે. પરંતુ તાજેતરમાં બનેલી એક ચોંકાવનારી ઘટનાને પગલે યાત્રિકોમાં ભારે ગભરાટ અને ભયનો માહોલ ફેલાયો છે.
સિંહ યાત્રિકની
બેગ લઈ ગયો
ભાવનગરના જૈન અગ્રણી દિવ્યકાંત સલોત એ મીડિયા સમક્ષ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ગઈકાલે તા. 6 જૂન રોજ શેત્રુંજય ડુંગર ઉપરથી એક યાત્રિકની બેગ સિંહ ઉઠાવી (ખેંચી) ગયો હોવાના સમાચાર સામે આવ્યા છે. આ ઘટનાને પગલે ડુંગર પર હાજર યાત્રિકોમાં અફરાતફરી અને ફફડાટ વ્યાપી ગયો હતો. હાલમાં ડુંગર પર અનેક યાત્રિકો આરાધના કરી રહ્યા છે, જેમાં ખાસ કરીને ’99 ની યાત્રા’ કરી રહેલા નાના બાળકો અને પરિવારો ભારે મૂંઝવણ અને ડરના ઓથાર હેઠળ આવી ગયા છે.
જૈન અગ્રણીઓએ આક્રોશ સાથે જણાવ્યું છે કે આ કોઈ પ્રથમ ઘટના નથી. અગાઉ પણ પવિત્ર ડુંગર ઉપર યાત્રિકોને રસ્તામાં લૂંટી લેવાના બનાવો,ડુંગર પર આવેલા પવિત્ર જીનાલયોમાં (દેરાસરોમાં) ચોરી થવાની ઘટનાઓ, વન્યજીવો અને ખાસ કરીને સિંહોની ડુંગર પર અવારનવાર અવરજવર થવી.આવા વિવિધ બનાવોને કારણે યાત્રિકોની જાનમાલની સલામતી સામે વારંવાર મોટા પ્રશ્નાર્થ ચિહ્નો મુકાયા છે. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તથા સ્થાનિક તંત્રને આ અંગે અગાઉ પણ અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં હજુ સુધી કોઈ નક્કર કે સંતોષકારક પરિણામ આવ્યું નથી.
“પવિત્ર શેત્રુંજય ડુંગર પર રોજ હજારો ભાવિકો આવે છે. ભવિષ્યમાં આવી કોઈ મોટી હોનારત કે અનિચ્છનીય ઘટના ન બને તે માટે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી અને વહીવટી તંત્રે તાત્કાલિક અસરથી સુરક્ષા અને સલામતીના કડક પગલાં લેવા અનિવાર્ય બન્યા છે.
સમગ્ર જૈન સમાજ વતી વહીવટી તંત્ર અને પેઢી સમક્ષ માંગ કરવામાં આવી છે કે, ડુંગર પર સિક્યોરિટી ગાર્ડ્સનું પેટ્રોલિંગ વધારવામાં આવે, વન વિભાગ સાથે સંકલન સાધી વન્યજીવોથી યાત્રિકોનું રક્ષણ થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે અને સમગ્ર યાત્રાધામ સુરક્ષિત બને તે માટે યુદ્ધના ધોરણે પગલાં ભરવામાં આવે.

રિલેટેડ ન્યૂઝ