પોલીસે લુખ્ખા તત્ત્વોની અટક કરી કાર્યવાહી હાથ ધરી
અમરેલી શહેરના ચક્કરગઢ રોડ વિસ્તારમાં બુધવારે મોડી રાત્રે લુખ્ખા તત્વોએ જાહેરમાં આતંક મચાવતા અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. શહેરની સૌથી મોટી ગર્લ્સ સ્કૂલ નજીક બનેલી આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. બરફ ગોળાની લારી પર પહોંચી કેટલાક શખ્સોએ ધમાલ મચાવી તોડફોડ કરતાં સ્થળ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે મોડી રાત્રે અમરેલીના ચક્કરગઢ રોડ ઉપર આવેલી બરફ ગોળાની લારી પાસે 2 થી 3 શખ્સો પહોંચ્યા હતા. અને કોઈ કારણસર ઉશ્કેરાઈ જઈ લારી પર રાખેલી કાચની બરણીઓ ફોડી નાખી હતી. અચાનક બનેલી ઘટનાને કારણે આસપાસના વેપારીઓ અને રાહદારીઓમાં દોડધામ મચી ગઈ હતી. ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા. સ્થાનિક લોકોએ હિંમત દાખવી તોડફોડ મચાવનારા શખ્સોને કાબૂમાં લઈ પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસ સ્થળ પર પહોંચી આ લુખ્ખા તત્વોને પોતાના કબજામાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક માહિતી મુજબ તોડફોડ કરનારા શખ્સો નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું છે. જોકે સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. શહેરના સંવેદનશીલ અને શૈક્ષણિક વિસ્તાર નજીક બનેલી આ ઘટનાએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે પણ અનેક પ્રશ્નો ઉભા કર્યા છે.
