ઈન્કમ ટેક્સ કાયદામાં ફેરફાર : હિસાબોની દૈનિક કોપી ભારતના સર્વરમાં સ્ટોર કરવી અનિવાર્ય

કોમ્પ્યુટરમાં હિસાબ રાખતા દરેક કંપની-લોકો માટે નવો નિયમ લાગુ, દરરોજ બેકઅપ લેવુ ફરજિયાત

આવકવેરા વિભાગે ઇલેક્ટ્રોનિક બુક્સ જાળવનારા કરદાતાઓ માટે એક નવો નિયમ લાગુ કર્યો છે. હવે તેઓએ રોજિંદા હિસાબોના બેકઅપ લઈને તેને ભારતમાં સ્થિત સર્વર પર સ્ટોર કરવા ફરજિયાત છે. આવકવેરા (આઈટ ી) નિયમો, 2026 હેઠળ 1 એપ્રિલથી અમલમાં આવેલા આ નિયમે વ્યવસાયોમાં ચર્ચાનો માહોલ સર્જ્યો છે. નવા નિયમ મુજબ, રૂૂલ 46(8) અન્વયે ઇલેક્ટ્રોનિક હિસાબો જાળવનારા કરદાતાઓએ દરરોજ બેકઅપ લેવાનો અને તેને ભારતીય સર્વર પર સુરક્ષિત રાખવાનો છે. આ બેકઅપ એવો હોવો જોઈએ કે તેને મૂળ હિસાબો તરીકે પુન:સ્થાપિત કરી શકાય. આ નિયમ આવકવેરા અધિનિયમની કલમ 62 અને 63 હેઠળ હિસાબો જાળવવા જરૂૂરી કરદાતાઓને લાગુ પડે છે. આ નિયમ કંપનીઓ, એલએલપી, પાર્ટનરશિપ ફર્મ, પ્રોપ્રાઇટરશિપ અને વ્યાવસાયિકોને આવરી લે છે. વ્યક્તિઓ અને હિંદુ અવિભાજિત કુટુંબ (એચયુએફ) જો વાર્ષિક આવક રૂૂ. 2.5 લાખથી વધુ અથવા ટર્નઓવર રૂૂ. 25 લાખથી વધુ હોય તો તેઓ પણ આમાં સામેલ છે. ટેક્સ ઓડિટ હેઠળ આવતા વ્યવસાયો (ટર્નઓવર રૂૂ. 1 કરોડથી વધુ) અને વ્યાવસાયિકો (ગ્રોસ રિસીપ્ટ્સ રૂૂ. 50 લાખથી વધુ) માટે પણ આ ફરજિયાત છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કરીમ લખાનીએ જણાવ્યું કે, આવકવેરા અધિનિયમની જરૂૂરિયાતો પૂરી કરનારા મોટા ભાગના સંગઠિત કરદાતાઓને આ લાગુ પડે છે. આ એક મુશ્ર્કેલ કાર્ય છે. ક્લાઉડ આધારિત એકાઉન્ટિંગ સોફ્ટવેર અને ઇઆરપી સિસ્ટમ વાપરનારા વ્યવસાયોને ખાસ સાવધાની રાખવી પડશે, કારણ કે બેકઅપ સર્વર ભારતમાં જ હોવું જોઈએ. આ નિયમને વ્યવહારુ ન માનતા આંતરરાષ્ટ્રીય ટેક્સ નિષ્ણાત મુકેશ પટેલે કહ્યું, નાના વ્યવસાયો માટે રોજિંદા બેકઅપ લેવા અત્યંત અવ્યવહારુ છે. આ નિયમોની ફરી સમીક્ષા થવી જોઈએ. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (જીસીસીઆઈ)ના પ્રમુખ સંદીપ એન્જિનિયરે સૂચવ્યું કે આ નિયમ રૂૂ. 3 કરોડથી વધુ ટર્નઓવરવાળા વ્યવસાયો માટે જ લાગુ કરવો જોઈએ.
25000 રૂા.સુધીના દંડની જોગવાઇ
નિયમનું પાલન ન કરવા પર રૂૂ. 25,000નો દંડ અને ઓડિટ રિપોર્ટમાં ખોટી માહિતી આપવા પર વધારાનો રૂૂ. 10,000નો દંડ થઈ શકે છે. આ નિયમ કરદાતાઓ માટે કમ્પ્લાયન્સનો બોજ વધારશે અને ઓડિટ દરમિયાન વધુ તપાસનું કારણ બનશે. ટેક્સ નિષ્ણાતો કહે છે કે આ ડેટા સ્ટોરેજને કર અનુપાલનનો મુદ્દો બનાવી દે છે.

રિલેટેડ ન્યૂઝ