કોટડાસાંગાણી તાલુકાના 10,500 ખેડૂતોને પીએમ કિશાન યોજનાનો હપ્તો ચૂકવાયો

મિલેટ અને કૃષિ મેળો યોજાયો : નિષ્ણાંતો દ્વારા ખેડૂતોને માર્ગદર્શન અપાયું

કોટડાસાંગાણી તાલુકા પંચાયત કચેરીના મીટિંગ હોલ ખાતે આજે ‘પીએમ કિસાન ઉત્સવ દિવસ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી રાજ્યના 51.28 લાખથી વધુ ખેડૂત પરિવારોને ‘પીએમ કિસાન સન્માન નિધિ’ના 23મા હપ્તા પેટે 1025 કરોડ રૂપિયાથી વધુની સહાયનું સીધું બેંક ખાતામાં (ઉઇઝ) હસ્તાંતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, કોટડાસાંગાણી તાલુકાના 10,500 ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો લાભ મળી રહ્યો છે, જે તાલુકાના કૃષિ વિકાસમાં મહત્વનું યોગદાન છે. ખેડૂતોના પ્રોત્સાહન માટે ટ્રેક્ટર યોજના, તાર ફેન્સિંગ અને ગોડાઉન બનાવવા માટેની પૂર્વ મંજૂરીના હુકમોનું લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ, વિશિષ્ટ ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મિલેટ મેળા અને કૃષિ મેળાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
આ વર્ચ્યુઅલ કાર્યક્રમમાં રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી બાબરીયા, તાલુકા પંચાયત પ્રમુખ રવિરાજસિંહ, તાલુકા વિકાસ અધિકારી ઝાલા, આઈસીડીએસના પાયલબેન ઓઝા તેમજ કારોબારી સદસ્ય અશ્વિનભાઈ ગઢીયા, ગૌતમભાઈ મકવાણા, રાજેશભાઈ, ધીરજલાલ વૈષ્ણવ, જયરાજભાઈ ભોજાણી, મુકેશભાઈ બાબરીયા, પ્રતિપાલસિંહ જાડેજા અને તાલુકાના નોડલ ઓફિસર પી.એમ. મકવાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે તાલુકા ભાજપ મહામંત્રી યુવરાજભાઈ ખાટરીયા, પૂર્વ તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ ધીરુભાઈ કોરાટ, તાલુકા કિસાન મોરચા પ્રમુખ જયેશભાઈ ભૂત, વિવિધ ગામના સરપંચઓ, સહકારી અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં તાલુકાભરમાંથી પધારેલા ખેડૂત ભાઈઓ અને બહેનોએ આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ