મેંદરડા-જૂનાગઢ બાયપાસ પર 8 સિંહોની ઓચિંતી લટાર

સ્થાનિકો અને વાહન ચાલકોએ દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા

મેંદરડા-જૂનાગઢ બાયપાસ માર્ગ પર આવેલ ઇવનગર દરગાહ નજીક બુધવાર વહેલી સવારે આશરે 4 વાગ્યાના સમયે એકસાથે 8 જેટલા એશિયાટિક સિંહો રોડ પર લટાર મારતા જોવા મળ્યા હતા. સિંહોનું આ ટોળું નિર્ભયતાથી રસ્તા પર ફરી રહ્યું હોવાનું નજરે પડતાં સ્થાનિકો તેમજ પસાર થતા વાહનચાલકોમાં કુતૂહલ ફેલાયું હતું. થોડા સમય માટે વાહનચાલકોે પોતાના વાહનો ધીમા કરી દીધા હતા અને કેટલાક લોકોએ દૂરથી જ આ દૃશ્ય નિહાળ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ મેંદરડા સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા તુષાર જોશી રાત્રિના સમયે ડિલિવરી કેસને જૂનાગઢ રિફર કરવા માટે લઈ જઈ રહ્યા હતા. તે દરમિયાન ઇવનગર દરગાહ પાસે તેમને સિંહોનું ટોળું જોવા મળ્યું હતું. આ અદભૂત દૃશ્ય તેમણે પોતાના કેમેરામાં કેદ કર્યું હતું. સિંહો થોડા સમય સુધી માર્ગ પર ફર્યા બાદ નજીકના વિસ્તારમાં આગળ વધી ગયા હતા. ગીર અને આસપાસના વિસ્તારોમાં સિંહોની સંખ્યા વધતા તેઓ અવારનવાર રહેણાંક તથા માર્ગ વિસ્તારોમાં પણ જોવા મળતા હોય છે. જોકે એકસાથે 8 જેટલા સિંહો રોડ પર જોવા મળવાની ઘટના દુર્લભ ગણાય છે. આ ઘટનાના ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયામાં પણ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. સ્થાનિકોએ પણ આ દૃશ્યને ગીરના જંગલ વિસ્તારની વિશેષતા ગણાવી હતી અને સિંહોના આવા મુક્ત વિહરણને કુદરતી સૌંદર્યનો અનોખો અનુભવ ગણાવ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ