લાલપુર તાલુકા પંચાયતમાં આપના બે સભ્યો સામે પક્ષાંતર ધારા હેઠળ થશે કાર્યવાહી

લાલપુર તાલુકા પંચાયતના બે ચૂંટાયેલા સભ્યો સામે પક્ષાંતર ધારા હેઠળ કાનૂની કાર્યવાહી શરૂ થતા તાલુકાના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. આ કાર્યવાહી બાદ તાલુકા પંચાયતમાં મોટા રાજકીય ફેરફારોની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે.
આમ આદમી પાર્ટીના સત્તાવાર પ્રતીક પર ચૂંટાયેલા આરબલુસ અને પીપરટોડા બેઠકના બે સભ્યોએ તાજેતરમાં યોજાયેલી તાલુકા પંચાયત પ્રમુખની ચૂંટણી દરમિયાન પક્ષના વ્હીપ અને સૂચનાઓનું ઉલ્લંઘન કરીને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પક્ષ દ્વારા આ બંને સભ્યો સામે પક્ષાંતર ધારા હેઠળ કેસ દાખલ કરી તેમને ગેરલાયક ઠેરવવા માટેની કાનૂની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
પક્ષના નેતાઓનું કહેવું છે કે જનતાએ આપેલા જનાદેશ અને પક્ષ પર મૂકાયેલા વિશ્વાસનો ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. કાનૂની નિષ્ણાતોની મદદથી કેસની મજબૂત રજૂઆત કરવામાં આવી રહી હોવાનું પણ જણાવાયું છે.
જો પક્ષાંતર ધારા હેઠળનો કેસ સભ્યો વિરુદ્ધ સાબિત થાય અને તેમનું સભ્યપદ રદ થાય, તો લાલપુર તાલુકા પંચાયતનું વર્તમાન સત્તા સમીકરણ બદલાઈ શકે છે. આવી સ્થિતિમાં પ્રમુખ પદ માટે ફરીથી ચૂંટણી યોજવાની ફરજ પડી શકે છે, જેના કારણે તાલુકાના રાજકારણમાં નવા સમીકરણો સર્જાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ સમગ્ર ઘટનાક્રમને લઈને લાલપુર તાલુકા પંચાયતના રાજકારણ પર સૌની નજર મંડાઈ છે અને આગામી દિવસોમાં કાનૂની કાર્યવાહીના પરિણામો પર રાજકીય ભવિષ્ય નિર્ભર રહેશે.

રિલેટેડ ન્યૂઝ