ગીર સોમનાથ જિલ્લામાં આશાવર્કર બહેનો દ્વારા પડતર પ્રશ્ર્નો અંગે ઉગ્ર વિરોધ

રાણી લક્ષ્મીબાઈ આશા યુનિયનના નેજા હેઠળ મોટી સંખ્યામાં આશાવર્કર બહેનો જોડાયા

ગીર સોમનાથ જિલ્લામાં આશાવર્કર બહેનોએ જિલ્લા સેવા સદન ખાતે પોતાના પડતર પ્રશ્નોને લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. રાણી લક્ષ્મીબાઈ આશા યુનિયનના નેજા હેઠળ જિલ્લાના વિવિધ તાલુકામાં થી મોટી સંખ્યામાં આશા વર્કર બહેનો એકત્ર થઈ હતી.
આ બહેનોએ લઘુતમ વેતન નો અમલ, ચાર મહિનાથી બાકી રહેલા વેતનની તાત્કાલિક ચૂકવણી, વિવિધ ભથ્થા અને સેવાકીય હકો સહિતની લાંબા સમયથી પડતર માંગણીઓને નિરાકરણની માંગ કરી હતી. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સેંકડો આશા વર્કર બહેનો એકત્ર થતાં વાતાવરણ ગરમાયું હતું. વિરોધ પ્રદર્શન દરમિયાન આશા બહેનો ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા અને સરકાર તેમજ આરોગ્ય વિભાગ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
આશા વર્કર બહેનો માં અગ્રણી હંસાબેન રાઠોડ, વંદનાબેન સુતરિયા સહિતનાએ જણાવ્યું હતું કે, આશા વર્કરો ને કર્મચારીઓ નો દરજ્જો, લઘુતમ વેતન અને સમયસર ચુકવણી જેવી મૂળભૂત માંગણીઓ માટે વારંવાર આંદોલન કરવું પડે છે. તંત્ર દ્વારા વહેલી તકે હકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. જિલ્લા સેવા સદન ખાતે થયેલી આ વિરોધ પ્રદર્શન શાંતિપૂર્ણ રીતે યોજાયું હતું. આશા બહેનો પોતાની માંગણી સંદર્ભે કલેક્ટર મારફતે સરકારને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

રિલેટેડ ન્યૂઝ