નવા હોદેદારોની રવિવારે શપથવિધિ
ખંભાળિયાની લાયન્સ ક્લબના આગામી વર્ષ 2026-27ના નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. નવી ટીમના પ્રમુખ તરીકે સુરેશભાઈ નકુમ, સેક્રેટરી તરીકે અમીતભાઈ બુધ્ધભટ્ટી અને ટ્રેઝરર તરીકે જાનકીબેન ભુત સેવાના શપથ ગ્રહણ કરશે. આ પ્રસંગે પીડીજી લાયન ધીરેનભાઈ બદીયાણીના વરદ હસ્તે હોદ્દેદારોને શપથ લેવડાવવામાં આવશે. જેમનો પદગ્રહણ અને શપથ ગ્રહણ સમારોહ આગામી રવિવાર તા 12 ના રોજ સાંજે 6 વાગ્યે અહીંના ટાઉન હોલ ખાતે યોજાશે. આ સમારોહ તત્કાલીન પ્રમુખ પરબતભાઈ ગઢવીના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો છે. નવા હોદ્દેદારોની શપથવિધિ પૂર્વ ઝોન ચેરમેન નિમીષાબેન નકુમ દ્વારા કરાવવામાં આવશે. આ ગરિમામય કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ, રાજ્યસભા સાંસદ જીતેન્દ્રભાઈ કણઝારીયા, અહીંના ધારાસભ્ય મુળુભાઈ બેરા, તેમજ વઢવાણના ધારાસભ્ય જગદિશભાઈ મકવાણા, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા, નગરપાલિકા પ્રમુખ વિજયભાઈ કણઝારીયા અને છોટે હરીદ્વાર રામ રોટી આશ્રમના મહંત દેવસી બાપા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત નિરવભાઈ વાડોદરીયા, રીજયન ચેરમેન ધિરજલાલ ગોંડલીયા અને ઝોન ચેરમેન ગોવિંદભાઈ મોરઝરીયા પણ વિશિષ્ટ ઉપસ્થિતિ આપશે. આ પ્રસંગે 5 જેટલી સેવાકીય પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
