વેરાવળ-હરિદ્વાર ટ્રેન શરૂ કરાઈ પણ અમરેલી જિલ્લાને એક પણ સ્ટોપ ન અપાયો
અમરેલી જિલ્લાના ચિત્તલ, લાઠી, કુકાવાવ અને વડિયા તાલુકાના રેલ માર્ગ પરથી વેરાવળ-હરિદ્વાર ટ્રેન પસાર થતી હોવા છતાં અમરેલી જિલ્લામાં એક પણ સ્ટોપ આપવામાં આવ્યો નથી. પરિણામે આ વિસ્તારને હજુ પણ અન્યાય કરવામાં આવી રહ્યો છે. આ ટ્રેનના મુસાફરોને અન્ય સ્ટેશનો સુધી પહોંચીને ટ્રેન પકડવાની ફરજ પડશે. તેથી આ ટ્રેનને કાયમી ધોરણે ચલાવવાની સાથે અમરેલી જિલ્લામાં પણ તમામ સ્ટેશનને સ્ટોપ આપવામાં આવે તેવી માંગ ફરી પ્રબળ બની છે.
અમરેલી જિલ્લાને હરદ્વારની ટ્રેન માટેની વર્ષોથી માંગણી કરવામાં આવતી હતી. અનેક રજૂઆતો બાદ હવે પશ્ચિમ રેલવેએ વેરાવળ-હરિદ્વાર વચ્ચે વિશેષ ભાડે ખાસ સાપ્તાહિક ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. જો કે માત્ર ચાર ફેરા માટે હંગામી ધોરણે ટ્રેનને મંજુરી આપવામાં આવતાં મુસાફરોમાં કાયમી ધોરણે ટ્રેન ચલાવવાની માંગણી જોવા મળી રહી છે. બીજી તરફ આ ટ્રેન અમરેલી જિલ્લાના ચિત્તલ, લાઠી અને કુકાવાવ તાલુકાના રેલ માર્ગ ઉપર ચલાવીને જિલ્લાના લોકોને માત્ર ટ્રેનના દર્શન કરી સંતોષ માની લેવાનો રહે છે. પરંતુ અમરેલી જિલ્લાને આ ટ્રેનમાં મુસાફરી કરવાનો લાભ મળશે નહીં. અમરેલી જિલ્લામાંથી પસાર થતી હરિદ્વાર માટે સીધી ટ્રેન શરૂ કરવાની માંગણી કરવામાં આવતી હતી. આ ટ્રેન શરૂ થતાં યાત્રાળુઓને રાહત મળશે, પરંતુ તેને માત્ર જુલાઈ મહિનાના ચાર ફેરા પૂરતી મર્યાદિત રાખવામાં આવી છે. મુસાફરોનું માનવું છે કે વર્ષોની માંગણી બાદ પણ કાયમી ટ્રેનને બદલે હંગામી સેવા આપવી પૂરતી નથી. સાથે જ અમરેલી જિલ્લાના માર્ગ પરથી ટ્રેન પસાર થતી હોવા છતાં ચિત્તલ, લાઠી અથવા અન્ય કોઈ યોગ્ય સ્થળે સ્ટોપ ન આપતાં સ્થાનિક મુસાફરોને તેનો સીધો લાભ મળવાનો નથી.
પશ્ચિમ રેલવે મુજબ ટ્રેન નં. 09203 વેરાવળ-હરિદ્વાર વિશેષ દર મંગળવારે સાંજે 4:05 કલાકે વેરાવળથી ઉપડી બીજા દિવસે રાત્રે 8:40 કલાકે હરિદ્વાર પહોંચશે. જ્યારે ટ્રેન નં. 09204 હરિદ્વાર-વેરાવળ વિશેષ દર બુધવારે રાત્રે 9:30 કલાકે હરિદ્વારથી ઉપડી ત્રીજા દિવસે સવારે 9:45 કલાકે વેરાવળ પહોંચશે. ટ્રેન જુલાઈ મહિનાની 7, 14, 21 અને 28 તારીખે વેરાવળથીબતથા 8, 15, 22 અને 29 તારીખે હરિદ્વારથી દોડાવવામાં આવશે.
આ ટ્રેનમાં થર્ડ એસી, સ્લીપર અને જનરલ કોચની સુવિધા ઉપલબ્ધ રહેશે. માર્ગમાં ટ્રેન જૂનાગઢ, જેતલસર, ઢસા, ધોળા, બોટાદ, ધંધુકા, ધોળકા, ગાંધીગ્રામ, મહેસાણા, પાલનપુર, આબુરોડ, ફાલના, મારવાડ જંક્શન, બ્યાવર, અજમેર, કિશનગઢ, ફુલેરા, રિંગસ, શ્રી માધોપુર, નીમકા થાના, નારનૌલ, અટેલી, રેવાડી, ગુડગાંવ, દિલ્હી, ગાઝિયાબાદ, મેરઠ, મુઝફ્ફરનગર અને રૂડકી સ્ટેશનો પર રોકાશે.
