ઉચ્ચ સ્તરીય તપાસની માંગણી
ટીંબી ગામમાં રોડના કામમાં એસ્ટીમેટ મુજબ કામગીરી ન થતી હોવાના આક્ષેપ થયો છે. ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરાઈ છે.
જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે ચાલી રહેલા રોડના કામ અંગે ખેડૂત આગેવાન ઘનશ્યામભાઈ ભાલાળાએ ગંભીર રજૂઆત કરી છે. તેમના જણાવ્યા મુજબ રોડનું કામ મંજૂર થયેલા એસ્ટીમેટ અને ગુણવત્તાના ધોરણો મુજબ કરવામાં આવતું નથી.
રોડનું કામ ઘણી વખત રાત્રિના સમયે કરવામાં આવે છે, કામમાં જરૂરી પ્રમાણમાં રેતી, માટી અને અન્ય સામગ્રીનો ઉપયોગ થતો નથી તેમજ એસ્ટીમેટ મુજબની કામગીરી કરવામાં આવતી નથી. જેના કારણે વેપારીઓ, શહેરીજનો તથા આજુબાજુના વિસ્તારના લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
ઘનશ્યામભાઈ ભાલાળાએ વધુમાં જણાવ્યું કે સ્થાનિક સ્તરે રજૂઆતો કરવા છતાં અધિકારીઓ તરફથી સંતોષકારક જવાબ મળતો નથી. તેથી સમગ્ર રોડના કામની નિષ્પક્ષ અને ઉચ્ચસ્તરીય તપાસ કરવામાં આવે તેમજ રોડના કામના નમૂનાઓ લઈ સરકારી ગુણવત્તા નિયંત્રણ (લેબોરેટરી) ખાતે પરીક્ષણ કરાવી હકીકત બહાર લાવવામાં આવે.
તેમણે સરકાર અને સંબંધિત વિભાગને અપીલ કરી છે કે જો રોડના કામમાં કોઈપણ પ્રકારની અનિયમિતતા અથવા ગુણવત્તામાં ખામી જણાય તો જવાબદાર કોન્ટ્રાક્ટર અને સંબંધિત અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, જેથી જાહેર નાણાંનો યોગ્ય ઉપયોગ થાય અને લોકોને ગુણવત્તાયુક્ત રોડની સુવિધા મળી રહે.
