ક્યારેક સમયસરનો યોગ્ય નિર્ણય અને સમયસૂચકતા વરદાન સાબિત થાય છે. ગત રાત્રીએ આશરે 11 વાગ્યે વાડી વિસ્તારમાં રહેતા એક સગર્ભા મહિલાને અચાનક પ્રસૂતિની અસહ્ય પીડા થઈ હતી. ગ્રામ્ય વિસ્તાર અને રાત્રિનો સમય હોવાથી 108 એમ્બ્યુલન્સને પહોંચવામાં વિલંબ થાય તેવી પૂરેપૂરી શક્યતા હતી. સમય કિંમતી હતો અને એક-એક મિનિટ સગર્ભા તથા આવનાર બાળક માટે મહત્વની હતી.
આ ગંભીર પરિસ્થિતિની જાણ થતાં જ મોટા સમઢિયાળા આરોગ્ય સબ સેન્ટરના આરોગ્ય કર્મી (ખઙઇંઠ) ભરતભાઈ મકવાણાએ સહેજ પણ સમય ગુમાવ્યા વિના ત્વરિત નિર્ણય લીધો. તેમણે સરકારી મદદની રાહ જોવાના બદલે પોતાની વ્યક્તિગત ગાડી (કાર) કાઢી અને સગર્ભા મહિલાને તાત્કાલિક ઙઇંઈ (પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર) મોટા સમઢિયાળા ખાતે ખસેડ્યા.
હોસ્પિટલ પહોંચતાની સાથે જ એલર્ટ તબીબી ટીમે મોરચો સંભાળી લીધો હતો. સમયસર મળેલી સારવાર અને ટીમના સંનિષ્ઠ પ્રયાસોને કારણે મહિલાની સફળ પ્રસૂતિ થઈ હતી. આજે માતા અને નવજાત શિશુ બંને સંપૂર્ણપણે સ્વસ્થ અને સુરક્ષિત છે. આ ઘટના માત્ર નોકરીની ફરજ પૂરતી સીમિત નથી, પરંતુ તે આરોગ્ય કર્મચારીઓની સંવેદનશીલતા અને માનવતાના ઉચ્ચ મૂલ્યોને દર્શાવે છે. ભરતભાઈની આ સમયસૂચકતા અને ટીમ હેલ્થ-ખાંભાની આ કામગીરી ખરેખર પ્રેરણાદાયી છે.
