વીસ દિવસમાં ત્રણ દીપડાને પાંજરે પૂરતા લોકોમાં રાહત
અમરેલી જિલ્લાના ધારી તાલુકાના નબાપરા વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી આતંક મચાવતો અને માણસો પાછળ દોડતો ખુંખાર દીપડો આજે વહેલી સવારે વન વિભાગ દ્વારા ગોઠવાયેલા પાંજરામાં સપડાયો હતો. નબાપરાની સીમમાંથી દીપડાનું સફળ રેસ્ક્યુ કરવામાં આવતા વીસ દિવસમાં ત્રીજો દીપડો પાંજરે પુરાયો છે, જેના કારણે વિસ્તારમાં રાહતનો માહોલ છવાયો છે. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના નબાપરા વિસ્તાર માટે આજે વહેલી સવાર રાહતના સમાચાર લઈને આવી હતી. છેલ્લા ઘણા દિવસોથી વિસ્તારમાં આતંક મચાવતો અને લોકો પાછળ દોડતો ખુંખાર દીપડો આખરે વન વિભાગની ટીમની જાળમાં ફસાઈ પાંજરે પુરાયો હતો. વન વિભાગ દ્વારા ગોઠવાયેલા પાંજરામાં દીપડો સપડાતા સ્થાનિકોમાં રાહતની લાગણી પ્રસરી ગઈ હતી.
મળતી માહિતી મુજબ નબાપરા વિસ્તાર અને તેની આસપાસની સીમમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાની સતત અવર જવર જોવા મળી રહી હતી. દીપડો ખેડૂતો, રાહદારીઓ અને વાહનચાલકો માટે ભયનું કારણ બન્યો હતો. અનેક વખત દીપડાએ માણસો તરફ દોડવાનો પ્રયાસ કર્યો હોવાનું પણ સ્થાનિકોએ વન વિભાગને જણાવ્યું હતું. જેના આધારે વન વિભાગે સતત મોનિટરિંગ શરૂ કર્યું હતું.વન વિભાગની ટીમે નબાપરાની સીમ વિસ્તારમાં અલગ અલગ સ્થળોએ પાંજરા ગોઠવી દીપડાની હિલચાલ પર નજર રાખી હતી. આજે વહેલી સવારે દીપડો પાંજરામાં સપડાતા અધિકારીઓ અને સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. બાદમાં દીપડાને સુરક્ષિત રીતે લઈ જઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મહત્વની બાબત એ છે કે છેલ્લા વીસ દિવસમાં આ જ પંથકમાંથી વન વિભાગે ત્રણ દીપડાને પાંજરે પૂરવામાં સફળતા મેળવી છે. દીપડાની વધતી હિલચાલને ધ્યાનમાં રાખીને વન વિભાગે સઘન પેટ્રોલિંગ અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી છે. ખુંખાર દીપડો પાંજરે પુરાતા નબાપરા વિસ્તારના ગ્રામજનોમાં હાશકારો જોવા મળ્યો હતો.
