સતાપર ગામે પાકમાં છાંટવાની દવાની ઝેરી અસર થતા યુવાનનું મોત


બેટ દ્વારકાના યુવાનનો ફાંસો ખાઈ આપઘાત

કલ્યાણપૂરના સતાપર ગામે પાકમાં છાંટવાની દવાની ઝેરી અસર થતા યુવાનનું કરૂણ મોત નીપજયું છે. જયારે બેટદ્વારકાના યુવાનને ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો છે. પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
ઓખા મંડળના બેટ દ્વારકા વિસ્તારમાં રહેતા ગીરીરાજસિંહ હનુભા વાઢેર નામના 35 વર્ષના ગરાસીયા યુવાને ગઈકાલે મંગળવારે કોઈ અગમ્ય કારણોસર બેટ દ્વારકાના કુંભાર પાડા વિસ્તારમાં આવેલા પોતાના પાણીના સંપમાં ગળાફાંસો ખાઈ લેતા તેમનો નિષ્પ્રાણ દેહ મળી આવ્યો હતો. આ બનાવ અંગેની જાણ મૃતકના પિતા હનુભા શિવુભા વાઢેરએ સ્થાનિક પોલીસને કરી છે.
કલ્યાણપુર તાલુકાના સતાપર ગામે રહેતા નારણભાઈ ભાયાભાઈ માડમ નામના 34 વર્ષના આહીર યુવાન ગત તારીખ 6 ના રોજ પોતાના ખેતરે પાકમાં દવાનો છંટકાવ કરી રહ્યા હતા, ત્યારે તેમને ઝેરી દવાની અસર થતા વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મુળુભાઈ ડાડુભાઈ માડમએ કલ્યાણપુર પોલીસને કરી છે.
ભોગાતના યુવાનને મારી નાખવાની ધમકી
કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામના મૂળ રહીશ અને હાલ ગાંધીનગર ખાતે રહેતા માયાભાઈ ગગુભાઈ રૂડાચ નામના 48 વર્ષના ગઢવી યુવાન સાથે ગત તારીખ 17 મે ના રોજ ખંભાળિયા નજીકના માંઝા ગામે યોજાયેલી ચારણ સમાજની મિટિંગમાં થયેલી બોલાચાલીનો ખાર રાખી, આરોપી એવા માળી ગામના રહીશ લાખા ઘેલાભાઈ જામ અને ગોપાલ આશાભાઈ જામ નામના બે શખ્સોએ તેમને મોબાઈલ ફોન પર બિભત્સ ગાળો ભાંડી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ