ખેડૂતો, ગ્રામજનો અને વાહન ચાલકો મુશ્કેલીમાં, પંચાયતની તંત્ર સમક્ષ તાત્કાલિક કાર્યવાહી કરવાની રજૂઆત
ઉના તાલુકાના કાણેકબરડા ગામથી સુલતાનપુર અને અમોદ્રા ગામને જોડતો માર્ગ ભારે ધોવાણના કારણે અત્યંત બિસ્માર બની જતાં ગ્રામજનો, ખેડૂતો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. માર્ગની દયનીય સ્થિતિને લઈને કાણેકબરડા ગ્રામ પંચાયત દ્વારા માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરીને તાત્કાલિક મરામત કરવાની માંગ કરવામાં આવી છે.ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા કરાયેલી રજૂઆતમાં જણાવાયું છે કે, માર્ગ પર મોટા ખાડા પડી જવાથી અને બાવળનું સામ્રાજ્ય ફેલાઈ જતાં ખેડૂતો પોતાના ખેતરો સુધી મોટરસાયકલ સહિતના વાહનો લઈને પહોંચી શકતા નથી. ચોમાસાની ઋતુમાં તો સ્થિતિ વધુ વિકટ બની જાય છે અને ચાર મહિના સુધી આ રસ્તો લગભગ બંધ જેવી સ્થિતિમાં રહે છે.આ માર્ગનો ઉપયોગ માત્ર ખેડૂતો જ નહીં પરંતુ કાણેકબરડા ગામના સામાન્ય નાગરિકો પણ કરે છે. કાણેકબરડા ગામની રેશનિંગની દુકાન સુલતાનપુર ગામે આવેલી હોવાથી અનાજ લેવા જવા માટે ગ્રામજનોએ લગભગ છ કિલોમીટરનો વધારાનો ફેરો મારવો પડે છે. જેના કારણે ખાસ કરીને મજૂર વર્ગ, વૃદ્ધો અને મહિલાઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રામ પંચાયત અને ગ્રામજનોએ માંગ કરી છે કે માર્ગ પર તાત્કાલિક ધોરણે કપચી, મેટલ અને પાણા નાખીને રસ્તો વાહનવ્યવહાર લાયક બનાવવામાં આવે તેમજ કાયમી ધોરણે માર્ગનું સમારકામ કરવામાં આવે, જેથી ચોમાસા દરમિયાન લોકોની અવરજવર સરળ બની રહે. આ રજૂઆત દરમિયાન સુલતાનપુર ગામના સરપંચ નીતિનભાઈ, કાણેકબરડા સરપંચ પ્રતિનિધિ પાંચાભાઈ, ઉપસરપંચ મહીપતસિંહ રાઠોડ, મેરૂભાઈ રામ, હરિસિંહ રાઠોડ, નીતિનસિંહ લાખાભાઈ ખટાણા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને તંત્ર સમક્ષ વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી.
