પોલીસે રૂ. 2.50 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા, દ્વારકા અને કલ્યાણપુર તાલુકામાં જુદા જુદા ત્રણ સ્થળોએ પાડવામાં આવેલા જુગાર દરોડામાંથી 15 શખ્સો રૂપિયા અઢી લાખના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા છે.
આ સમગ્ર પ્રકરણ અંગે એલસીબી સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ એલસીબી વિભાગના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં ખંભાળિયા વિસ્તારમાં રવિવારે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન આશરે પોણા બે વાગ્યાના સમયે એલસીબી સ્ટાફના મસરીભાઈ ભારવાડીયા, ખીમાભાઈ આંબલીયા અને લાખાભાઈ પિંડારિયાને મળેલી બાતમીના આધારે ખંભાળિયા તાલુકાના દાત્રાણા ગામે રહેતા રામ વજશીભાઈ ચાવડા નામના શખ્સ દ્વારા પોતાની વાડીએ આવેલા તેના માલિકીના મકાનમાં બહારથી માણસો ભેગા કરી અને અહીં તેઓને લાઈટ, પાણી, જુગારના સાધનોની વ્યવસ્થા પૂરી પાડીને તેના બદલામાં નાલ ઉઘરાવીને ચલાવતા જુગારના અખાડા પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ સ્થળેથી પોલીસે રામ વજશી ચાવડા, હેભા આલા ચાવડા, ગોવિંદ મેરામણ ચાવડા, રાયદે સુકાભાઈ ચાવડા, ભાયા રાજશી બેરા, ઈમરાન આમદ ચાવડા અને જેસા કારુ માડમ નામના સાત શખ્સોને ઝડપી લીધા હતા. આ સ્થળેથી પોલીસે રૂપિયા 1,20,600 ની રોકડ રકમ તથા રૂ. 30,000 ની કિંમતના બે મોટરસાયકલ અને રૂપિયા 20 હજારની કિંમતના બે મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 1,52,600નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી. અન્ય એક કાર્યવાહીમાં એલસીબીની ટીમ દ્વારા દ્વારકા વિસ્તારમાં હાથ વધારવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એલસીબીના એ.એસ.આઈ. કુલદીપસિંહ જાડેજા, પીઠાભાઈ ગોજીયા, પ્રદિપસિંહ જાડેજા અને જયપાલસિંહ જાડેજાની બાતમીના આધારે ઇસ્કોન ગેઈટ, રાવણા તળાવ પાસેના આશ્રમની બહાર બેસીને રાત્રિના આશરે સાડા બારેક વાગ્યાના સમયે સ્ટ્રીટ લાઈટના અજવાળે ગંજીપાના વડે જુગાર રમી રહેલા અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના રહીશ પુંજાજી ડાયાજી ઠાકોર, જીગર કમલેશભાઈ પટેલ, ભુપેન્દ્ર જમનભાઈ પટેલ અને રોહિત મહેન્દ્રભાઈ પટેલ નામના ચાર શખ્સોને ઝડપી લઇ, રૂ. 74 હજારની રોકડ રકમ તથા રૂ. 15,000 ની કિંમતના ત્રણ નંગ મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા 89 હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. કલ્યાણપુર પોલીસની કાર્યવાહીમાં કલ્યાણપુરથી આશરે 25 કિલોમીટર દૂર લાંબા ગામે ગતરાત્રિના આશરે નવ વાગ્યાના સમયે જાહેરમાં ગંજીપાના વડે રોન પોલીસનો જુગાર રમી રહેલા અરજણ પાલાભાઈ ચેતરીયા, હમીર જેઠાભાઈ રાવલીયા, અજય સામતભાઈ ચાનપા અને રાજશી જેઠાભાઈ રાવલીયા નામના ચાર શખ્સોને પોલીસે રૂ. 6,500 ની રોકડ રકમ સાથે ઝડપી લઇ, જુગારધારાની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.
