સાસણ-ગીર ખાતે વિશ્ર્વ સિંહ દિવસની ઉજવણી સંદર્ભે સંકલન બેઠક યોજાઈ

સિંહ દિવસ એટલે એશિયાઈ સિંહોના સંરક્ષણ અને જનજાગૃતિનો મહત્ત્વનો અવસર : નાયબ વન સંરક્ષક

આગામી તા. 10 ઓગસ્ટનો દિવસ એટલે ” વિશ્વ સિંહ દિવસ” હોય અને આ દિવસની ભવ્ય અને સુવ્યવસ્થિત રીતે ઉજવણી થાય તે માટે સાસણ ખાતે વન વિભાગ દ્વારા એક સંકલન બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં વન વિભાગના અધિકારીઓએ હાજરી આપી હતી. તથા બેઠક દરમિયાન કાર્યક્રમની રૂપરેખા, પ્રવૃત્તિઓનું આયોજન, વિવિધ વિભાગો વચ્ચે સુમેળ અને જવાબદારીઓના વિભાજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
નાયબ વન સંરક્ષક (સાસણ-ગીર) અગ્નીશ્વર વ્યાસ એ બેઠક દરમિયાન જણાવ્યું હતું કે, વિશ્વ સિંહ દિવસ એ માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ એશિયાઈ સિંહના સંરક્ષણ, જૈવ-વૈવિધ્યના જતન અને પર્યાવરણ પ્રત્યે જનજાગૃતિ લાવવાનો અગત્યનો અવસર છે. આ સાથે તેમણે ઉજવણીને લોકભાગીદારી સાથે સફળ બનાવવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. અને તમામ ટીમોને પરસ્પર સુમેળ સાથે પોતપોતાની જવાબદારી નિભાવવા અનુરોધ કર્યો હતો.
હજુ આગામી દિવસોમાં ઉજવણીને વધુ ભવ્ય બનાવવા માટે વિવિધ સરકારી વિભાગોના ઉચ્ચ અધિકારીઓ અને સંબંધિત સ્ટેક હોલ્ડર્સ સાથે પણ તબક્કાવાર સંકલન બેઠકોનું આયોજન કરવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ