રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની તમામ નગરપાલિકાઓમાં વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી, જે અંતર્ગત વિસાવદર નગરપાલિકાને પણ રૂ. 5 લાખની માતબર રકમ ફાળવાઈ હતી. આ ગ્રાન્ટનો હેતુ શહેરના છ વોર્ડમાં વિશેષ સફાઈ અને સ્વચ્છતા માટે હંગામી ધોરણે વધારાના સફાઈ કર્મચારીઓ તથા કચરાના યોગ્ય નિકાલ માટે વાહન વ્યવસ્થા (ટ્રેક્ટર) ભાડે રાખી સફાઈ ઝુંબેશ ચલાવવાનો હતો. જોકે, વિસાવદર નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર અને સેનિટેશન ઈન્સ્પેક્ટર દ્વારા કોઈ પણ પ્રકારના સત્તાવાર ઠરાવ વગર તેમજ ચૂંટાયેલા સદસ્યોને અંધારામાં રાખીને અમરેલી શહેરની એક એજન્સી મારફતે ગેરકાયદેસર રીતે આ કામગીરી કરાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
નિયમ મુજબ 12 હંગામી કર્મચારીઓ અને ટ્રેક્ટર ભાડાની વ્યવસ્થા કરવાની હતી, પરંતુ વાસ્તવિકતામાં માત્ર 6 જ સફાઈ કામદારો દ્વારા આ કામ પૂરું કરાવવામાં આવ્યું હતું અને ટ્રેક્ટરનો પણ કોઈ ઉપયોગ થયો ન હતો. રેકોર્ડ પર 12 કર્મચારીઓ દર્શાવીને માત્ર 6 કર્મચારીઓના બે મહિનાના હિસાબ મુજબ પ્રતિ કર્મચારી રૂ. 8,000 લેખે કુલ રૂ. 51,000 ની આસપાસની જ રકમ ચૂકવવામાં આવી હોવાનું જાણવા મળે છે.
આમ, સ્વચ્છતા સફાઈ અભિયાન માટે આવેલી પૂરેપૂરી રૂ. 5 લાખની ગ્રાન્ટ સામે માત્ર રૂ. 51,000 ચૂકવીને રૂ. 5 લાખના ખોટા બિલ-વાઉચર બનાવી લાખો રૂપિયાની નાણાકીય ઉચાપત કરવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ નગરપાલિકાના સભ્યો અને સ્થાનિક શહેરીજનો દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ સમગ્ર મામલો નગરપાલિકા ડીપાર્ટમેન્ટલી પણ થઈ શકે તેમ હતો પરંતુ ભ્રષ્ટાચાર આચરવાના ઈરાદે જ ખોટા બિલ વાઉચર બનાવીને આચરેલી આ ગેરરીતિ હાલ વિસાવદર શહેરમાં ભારે ચર્ચાનો વિષય બનવા સાથે “ટોપ ઓફ ધ ટાઉન” બની છે.
