પંચાયત-દૂકાનદાર દ્વારા બેઠક કરીને ગ્રામજનોના હીતમાં નિર્ણય લેવાયો
જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના ચુલડી ગામમાં બાળકો તથા ગ્રામજનોના આરોગ્ય અને હિતને ધ્યાનમાં રાખીને ગ્રામ પંચાયત દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ચુલડી ગ્રામ પંચાયત ખાતે સરપંચ સહિત ગામના તમામ દુકાનદારો તથા વેપારીમિત્રોની અગત્યની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગ્રામજનોના હિતમાં ચર્ચા-વિચારણા કરી સર્વાનુમતે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે ચુલડી ગામની તમામ દુકાનોમાં જંકફૂડ પડીકાનું વેચાણ તેમજ વપરાશ સંપૂર્ણપણે પ્રતિબંધિત રહેશે. ખાસ કરીને બાળકો અને યુવાનોમાં આવા જંકફૂડના વધતા વપરાશને ધ્યાનમાં રાખીને ગ્રામ પંચાયત અને ગામલોકો દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. ગ્રામ પંચાયત દ્વારા દુકાનદારો અને વેપારીઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાની દુકાનોમાં જંકફૂડ પડીકાનું વેચાણ ન કરે તેમજ બાળકોને આવા પડીકા વેચવાનું ટાળે. ગામમાં સ્વસ્થ અને સારું વાતાવરણ જળવાઈ રહે તેમજ બાળકોના આરોગ્ય પર પ્રતિકૂળ અસર ન થાય તે માટે વેપારીઓ પણ ગ્રામ પંચાયતના આ નિર્ણયમાં સહયોગ આપે તેવી અપીલ કરવામાં આવી છે.
નિર્ણયનું પાલન કરવા ગ્રામજનોને અપીલ
ચુલડી ગ્રામ પંચાયત દ્વારા લેવાયેલા આ નિર્ણયથી ગામમાં બાળકો અને યુવાનોને જંકફૂડના વધુ પડતા વપરાશથી દૂર રાખવા તેમજ ગ્રામજનોમાં જાગૃતિ લાવવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. ગ્રામ પંચાયત દ્વારા ગામના તમામ દુકાનદારો, વેપારીઓ, વાલીઓ અને ગ્રામજનોને આ નિર્ણયનું પાલન કરી ચુલડી ગામને સ્વસ્થ અને સ્વચ્છ વાતાવરણ આપવાના પ્રયાસમાં સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.
