બાઈક આડે બળદ આવતા અકસ્માત સર્જાયો
સલાયા નજીક હાઈવે પર રખડતા બળદે યુવાનનો ભોગ લીધાનું સામે આવ્યું છે. બાઈક આડે બળદ ઉતરતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઈજાગ્રસ્ત યુવાને રાજકોટ સારવારમાં દમ તોડયો છે.
સલાયા-ખંભાળિયા રોડ પર રવિવારે રાત્રે એક બાઇક ચાલક યુવાન જઈ રહ્યો હતો. ત્યારે અચાનક બાઇક આડે બળદ આવી જતા અકસ્માત થયો હતો.
આ અકસ્માતમાં સોડસલા ગામના 20 વર્ષીય લતીફ હમીદ સુંભણીયાને ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વધુ સારવાર માટે તેમને રાજકોટ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન આજે સોમવારે સાંજે તેમનું મૃત્યુ થયું હતું.
યુવાનના મૃત્યુથી નાના એવા સોડસલા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
