કલ્યાણપુર નજીક કારે હડફેટે લેતા જામનગરના વેપારીનું મોત

કલ્યાણપુર નજીક કારે હડફેટે લેતા જામનગરના વેપારીનું કરુણ મોત નિપજ્યું છે. જ્યારે પોલીસે ફરાર કાર ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે દ્વારકા નજીક બે બાઈક વચ્ચે ટક્કર થતાં બેને ઈજા પહોંચી છે.
જામનગરના પાણાખાણ વિસ્તારમાં આવેલી મથુરા સોસાયટી ખાતે રહેતા મનસુખભાઈ ગોકળભાઈ સોનગરા નામના 42 વર્ષના સતવારા વેપારી યુવાન ગત તા. 5 ના રોજ કલ્યાણપુરથી આશરે 30 કિલોમીટર દૂર હરિયાવર ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલી જી.જે. 05 આર.એક્સ. 9028 નંબરની એક મોટરકારના ચાલકે તેમને પાછળથી ઠોકર મારતા તેમને ગંભીર ઈજાઓ થવા પામી હતી. જેના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે કાંતિલાલ મોહનભાઈ સોનગરા (ઉ.વ. 45, રહે. જામનગર)ની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે કારના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. કે.પી. ઝાલા દ્વારા હાથ ધરવામાં આવી છે. છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના રહીસ એવા દિલીપભાઈ પ્રવીણભાઈ ભીલ નામના 31 વર્ષના યુવાન તેમની સાથે અન્ય એક આસામીને લઈને તેમના જી.જે. 34 એલ 1011 નંબરના મોટરસાયકલ પર બેસીને દ્વારકાથી બેટ દ્વારકા તરફ જઈ રહ્યા હતા. ત્યારે દ્વારકા – ઓખા હાઈવે પર રૂપેણ બંદર નજીક પહોંચતા આ માર્ગ પર પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલા જી.જે. 11 ડી.એ. 1740 નંબરના મોટરસાયકલના ચાલકે તેમની સાથે ધડાકાભેર અકસ્માત સર્જતા દિલીપભાઈ સહિત બંને વ્યક્તિઓને નાની-મોટી ઇજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આ સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસે આરોપી બાઈક ચાલક સામે જરૂરી કાર્યવાહી કરી હતી.

રિલેટેડ ન્યૂઝ